Viral Memes on Mohammed Shami India vs Australia: કોરોનાને હરાવ્યા બાદ ટીમ ઇન્ડિયામા વાપસી કરી રહેલા અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીએ ઓસ્ટ્રેલિયા સામેની વોર્મઅપ મેચમાં તરખાટ મચાવ્યો હતો. વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાએ સોમવારે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વોર્મ-અપ મેચ રમી હતી જેમાં 6 રનથી રોમાંચક વિજય મેળવ્યો હતો. આ મેચમાં શમીને આખી મેચમાં તક આપવામાં આવી ન હતી.
પરંતુ કેપ્ટન રોહિત શર્માએ મેચની છેલ્લી ઓવર મોહમ્મદ શમીને આપી હતી. શમીએ છેલ્લી ઓવરમાં મેચની બાજી પલટી દીધી હતી. ઓસ્ટ્રેલિયાને છેલ્લી ઓવરમાં જીત માટે 11 રન કરવાના હતા. અહીંથી એવું લાગી રહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા આ મેચ સરળતાથી જીતી જશે. શમીએ પ્રથમ બે બોલમાં 4 રન આપ્યા હતા.
અંતિમ 4 બોલમાં 4 વિકેટ પડીઃ
પરંતુ આ પછી તેણે ત્રીજા બોલ પર પેટ કમિન્સને આઉટ કર્યો હતો. આ બોલ પર વિરાટ કોહલીએ બાઉન્ડ્રી પર એક હાથે શાનદાર કેચ લીધો હતો. આ કેચ ટર્નિંગ પોઈન્ટ બની ગયો છે. આ પછી બીજા જ બોલ પર એશ્ટન અગર રનઆઉટ થયો હતો. ત્યાર બાદ શમીએ ઓવરના પાંચમા બોલ પર જોશ ઈંગ્લિસને આઉટ અને અંતિમ બોલ પર શમીએ કેન રિચર્ડસનને બોલ્ડ કરી ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી.
શમીના આ શાનદાર કમબેકને સોશિયલ મીડિયા પર ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ક્રિકેટ ફેન્સ શમીના આ પ્રદર્શન વિશે વિવિધ પ્રકારના મિમ્સ બનાવીને શમીના વખાણ કરતા જોવા મળી રહ્યા છે.