Mohammed Shami India vs Australia: કોરોનાને હરાવ્યા બાદ ટીમ ઇન્ડિયામા વાપસી કરી રહેલા અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીએ ઓસ્ટ્રેલિયા સામેની વોર્મઅપ મેચમાં તરખાટ મચાવ્યો હતો.  વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાએ સોમવારે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વોર્મ-અપ મેચ રમી હતી જેમાં 6 રનથી રોમાંચક વિજય મેળવ્યો હતો. આ મેચમાં શમીને આખી મેચમાં તક આપવામાં આવી ન હતી.






પરંતુ કેપ્ટન રોહિત શર્માએ મેચની છેલ્લી ઓવર મોહમ્મદ શમીને આપી હતી. શમીએ છેલ્લી ઓવરમાં મેચની બાજી પલટી દીધી હતી. ઓસ્ટ્રેલિયાને છેલ્લી ઓવરમાં જીત માટે 11 રન કરવાના હતા. અહીંથી એવું લાગી રહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા આ મેચ સરળતાથી જીતી જશે. શમીએ પ્રથમ બે બોલમાં 4 રન આપ્યા હતા. પરંતુ આ પછી તેણે ત્રીજા બોલ પર પેટ કમિન્સને આઉટ કર્યો હતો. આ બોલ પર વિરાટ કોહલીએ બાઉન્ડ્રી પર એક હાથે શાનદાર કેચ લીધો હતો. આ કેચ ટર્નિંગ પોઈન્ટ બની ગયો છે.


શમીએ છેલ્લા 4 બોલમાં 3 વિકેટ ઝડપી


આ પછી બીજા જ બોલ પર એશ્ટન અગર રનઆઉટ થયો હતો. હવે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 2 બોલમાં 7 રનની જરૂર હતી. પરંતુ શમીએ ઓવરના પાંચમા બોલ પર જોશ ઈંગ્લિસને આઉટ કરીને કાંગારૂ ટીમની મહેનત પર પાણી ફેરવી દીધુ હતું. હવે ઓસ્ટ્રેલિયાને છેલ્લા બોલ પર 7 રનની જરૂર હતી, પરંતુ શમીએ કેન રિચર્ડસનને બોલ્ડ કરી ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી.


મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ સાત વિકેટે 186 રન ફટકાર્યા હતા.  સૂર્યકુમારે 33 બોલમાં 50 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 151.52 હતો. આ સિવાય ઓપનર કેએલ રાહુલે 33 બોલમાં 57 રનની ઇનિંગ રમી હતી. જ્યારે દિનેશ કાર્તિકે 14 બોલમાં 20 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી કેન રિચર્ડસને 30 રનમાં 4 વિકેટ ઝડપી હતી.


187 રનના ટાર્ગેટના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 180 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ તરફથી કેપ્ટન એરોન ફિન્ચે 76 અને મિચેલ માર્શે 35 રન ફટકાર્યા હતા. ભારતીય ટીમ માટે મોહમ્મદ શમીએ એક ઓવરમાં 4 રન આપીને સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.  ભુવનેશ્વર કુમારે બે જ્યારે અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ અને યુઝવેન્દ્ર ચહલે 1-1 વિકેટ ઝડપી હતી.