IND vs BAN 1st Test: બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી સાથે 12 વર્ષ બાદ ભારતની ટેસ્ટ ટીમમાં વાપસી કરનાર ઝડપી બોલર જયદેવ ઉનડકટને આંચકો લાગ્યો છે. વાસ્તવમાં, ઉનડકટને અત્યાર સુધી બાંગ્લાદેશ જવા માટે વિઝા મળી શક્યા નથી અને તેના કારણે તે તેની પ્રથમ ટેસ્ટ ચૂકી જશે તે લગભગ નિશ્ચિત છે. પીટીઆઈ અનુસાર, ઉનડકટને અત્યાર સુધી વિઝા નથી મળ્યા અને તેથી જ તે અત્યાર સુધી બાંગ્લાદેશ જઈ શક્યો નથી.


પ્રથમ ટેસ્ટ બુધવારથી જ શરૂ થવાની છે, તેથી ઉનડકટ કોઈપણ સંજોગોમાં તેમાં રમી શકશે નહીં. બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર ઉનડકટના વિઝા હજુ તૈયાર થયા નથી. સૂત્રએ સ્પષ્ટ કર્યું છે કે ઉનડકટ પ્રથમ ટેસ્ટની શરૂઆત પહેલા સમયસર બાંગ્લાદેશ પહોંચી શકશે નહીં. જો ઉનડકટનો વિઝાનો મુદ્દો ઉકેલાઈ જાય તો પણ તે પ્રથમ ટેસ્ટની શરૂઆત બાદ જ બાંગ્લાદેશ પહોંચી શકશે.


ચેતેશ્વર પુજારા ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન રહેશે


વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દૃષ્ટિએ ટીમ ઈન્ડિયા માટે આ ટેસ્ટ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે. નિયમિત કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત ભારતીય ટીમ જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા જેવા અનુભવી ખેલાડીઓ વિના મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમની કમાન વિકેટ કીપર બેટ્સમેન કેએલ રાહુલના હાથમાં રહેશે.  


રોહિત શર્માની આ ફોર્મેટમાંથી વિદાય નક્કી, મોટા બદલાવના મૂડમાં  BCCI


ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આવનારા સમય માટે ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફારોની તૈયારીઓ કરી લીધી છે. આ ફેરફાર નવા વર્ષથી જોવા મળશે. આ મહિનાની 21 તારીખે BCCIની એપેક્સ કાઉન્સિલની બેઠક યોજાશે. જેમાં ભારતીય ટીમમાં મહત્વના ફેરફારો નક્કી કરવામાં આવશે. ભારતે 2013 પછી આઈસીસી સ્તરની કોઈ ટ્રોફી જીતી નથી.  2023માં ભારતમાં 50 ઓવરનો વર્લ્ડ કપ પ્રસ્તાવિત છે. આવી સ્થિતિમાં, BCCI ટીમમાં ઘણા મોટા ફેરફારો કરવાના મૂડમાં છે.


રોહિતને ટી-20માંથી રજા આપવામાં આવશે


ભારતીય ટીમમાં સૌથી મોટો ફેરફાર રોહિત શર્માની T20 ટીમમાંથી કેપ્ટન તરીકેની વિદાય છે. રિપોર્ટ્સ અનુસાર રોહિત શર્મા પણ આ વાત સાથે સહમત છે. હાલમાં જ બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું હતું કે રોહિત સાથે સતત વાત થઈ રહી છે. તે હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવવાના પક્ષમાં છે. જો આ વાત સાચી હશે તો હાર્દિક આવતા વર્ષે શ્રીલંકા સામેની ટી-20 શ્રેણીની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. આ સિવાય રાહુલ દ્રવિડને ટી20 કોચ તરીકે પણ ઉતારવામાં આવી શકે છે.