IND vs ENG: ભારતીય ક્રિકેટ ટીમે 12 વર્ષની લાંબી રાહ જોયા બાદ બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર શાનદાર વાપસી કરી છે. ઇંગ્લેન્ડ સામે રમાયેલી 3 મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે 6 વિકેટે ભવ્ય વિજય મેળવીને 1-0 ની લીડ મેળવી લીધી છે. આ ઐતિહાસિક જીતનો અસલી હીરો અક્ષર પટેલ રહ્યો, જેણે પહેલા બોલિંગમાં 4 વિકેટ ઝડપી અને પછી બેટિંગમાં પણ અડધી સદી ફટકારીને અંગ્રેજોના હોશ ઉડાવી દીધા હતા.
મેચનો રોમાંચ અને અક્ષર-સુંદરની નિર્ણાયક ભાગીદારી
259 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત નિરાશાજનક રહી હતી. કેપ્ટન રોહિત શર્મા (11 રન) અને વિરાટ કોહલી (5 રન) સસ્તામાં આઉટ થઈ ગયા હતા. ત્યારબાદ ઓપનર શુભમન ગિલે (80 રન) અને ઉપ-કપ્તાન શ્રેયસ ઐયરે (35 રન) ઇનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો અને સદીની ભાગીદારી નોંધાવી. જોકે, ઐયરના આઉટ થયા બાદ ગિલ રિટાયર્ડ હર્ટ થઈને મેદાનની બહાર ગયો હતો અને કેએલ રાહુલ પણ માત્ર 1 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં અક્ષર પટેલે 52 બોલમાં અણનમ 57 રન ફટકાર્યા અને વોશિંગ્ટન સુંદર (અણનમ 52 રન) સાથે મળીને 102 રનની અતૂટ ભાગીદારી કરી. આ જોડીએ ટીમને 45.2 ઓવરમાં વિજય અપાવ્યો હતો.
12 વર્ષનો દુકાળ અને ઇતિહાસ
ઉલ્લેખનીય છે કે, ભારતે છેલ્લે 2014 માં બર્મિંગહામના આ મેદાન પર ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. ત્યારબાદ સતત 12 વર્ષ સુધી ટીમ ઇન્ડિયા અહીં કોઈ વનડે મેચ જીતી શકી ન હતી. આ મેદાન પર ઇંગ્લેન્ડનો પણ 2014 પછી આ પહેલો પરાજય છે; આ પહેલા તેમણે અહીં સળંગ 7 મેચ જીતી હતી. અત્યાર સુધીમાં ઇંગ્લેન્ડની ધરતી પર ભારતે યજમાન ટીમ સામે 46 વનડે રમી છે, જેમાંથી આ 19 મો વિજય છે. બર્મિંગહામમાં રમાયેલી કુલ 13 વનડેમાંથી ભારતે 9 માં જીત અને 4 માં હારનો સામનો કરવો પડ્યો છે.
આ પણ વાંચોઃ Ind vs Pak મેચની 'લાલચ'? ICC ODI અને T20 વર્લ્ડ કપના ફોર્મેટમાં કરવા જઈ રહ્યું છે મોટો ફેરફાર
ઇંગ્લેન્ડની બેટિંગ અને ભારતીય બોલરોનો તરખાટ
આ પહેલા, પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ 47.5 ઓવરમાં 258 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. તેમના તરફથી જો રૂટે 76 અને લિયામ ડોસને 68 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ભારત તરફથી અક્ષર પટેલે 9.5 ઓવરમાં 62 રન આપીને સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. આ ઉપરાંત યુવા બોલર ગુરનુર બ્રાર અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 2-2, જ્યારે જસપ્રીત બુમરાહ અને શિવમ દુબેએ 1-1 વિકેટ ઝડપી હતી.
હવે સિરીઝની બીજી મેચ 16 જુલાઈએ કાર્ડિફમાં રમાશે, જ્યાં ટીમ ઇન્ડિયા શ્રેણી પોતાના નામે કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.
આ પણ વાંચોઃ લાખો ક્રિકેટ ફેન્સના દિલ તૂટ્યા! ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી ફ્લોપ
