IND vs ENG 2nd Test 4th Day Highlights: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી એજબેસ્ટન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની મજબૂત પકડ છે. મેચના ચોથા દિવસે શુભમન ગિલે 161 રનની શાનદાર ઇનિંગ રમી હતી. કેએલ રાહુલ, ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજાની અડધી સદીએ ટીમના બીજા ઇનિંગના સ્કોરને 400થી વધુ રન બનાવ્યા હતા. ભારતે બીજી ઇનિંગમાં 6 વિકેટ ગુમાવીને 427 રન બનાવ્યા હતા. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ બીજી ઇનિંગ રમવા માટે ઉતરી ત્યારે મોહમ્મદ સિરાજ અને આકાશદીપની બોલિંગે ઈંગ્લેન્ડના બેટ્સમેનોને ઘૂંટણિયે પડવા મજબૂર કર્યા હતા.

ભારતે 21 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

ભારતીય બેટ્સમેનોએ ઈંગ્લેન્ડની ધરતી પર ઇતિહાસ રચતા 21 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. આ પહેલા ભારતીય બેટ્સમેનોએ ક્યારેય કોઈ મેચમાં 1000થી વધુ રન બનાવ્યા ન હતા. ભારતે એજબેસ્ટન ટેસ્ટ મેચની બંને ઇનિંગમાં 1014 રન બનાવ્યા હતા. ભારતે પહેલી ઇનિંગમાં 587 રન બનાવ્યા હતા. બીજી ઇનિંગમાં તેઓએ 427 રન બનાવ્યા હતા. આ સાથે આ ટીમ ઇન્ડિયાનો ટેસ્ટમાં સૌથી વધુ સ્કોર બની ગયો છે. આ પહેલા 2004માં ઓસ્ટ્રેલિયા સામે સિડની ટેસ્ટમાં ભારતે બંને ઇનિંગમાં 867 રન બનાવ્યા હતા. ભારતે આ રેકોર્ડ તોડ્યો છે.

આકાશદીપ-સિરાજે સ્ટમ્પ્સ વિખેરી નાખ્યા

ભારતના ઝડપી બોલરો મોહમ્મદ સિરાજ અને આકાશદીપની જોરદાર બોલિંગ એજબેસ્ટન ટેસ્ટમાં જોવા મળી રહી છે. પ્રથમ ઇનિંગમાં પણ આ બંને બોલરોએ ઇંગ્લેન્ડની 10 વિકેટ લીધી હતી. હવે બીજા ઇનિંગમાં પણ આ મજબૂત ખેલાડીઓએ સ્ટમ્પ્સ વિખેરી નાખવાનું શરૂ કરી દીધું છે. ચોથા દિવસની રમતના અંત સુધીમાં ઇંગ્લેન્ડે 3 વિકેટ ગુમાવ્યા બાદ 72 રન બનાવ્યા છે. ટીમ ઇન્ડિયાને આ મેચ જીતવા માટે સાત વિકેટ લેવાની છે. ઇંગ્લેન્ડને જીતવા માટે 536 રનની જરૂર છે. એજબેસ્ટન ટેસ્ટના પાંચમા દિવસે કઈ ટીમ જીતે છે તે જોવાનું બાકી છે.