ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ વિઝાગ (વિશાખાપટ્ટનમ)માં રમાઈ રહી છે. આ મેચના ત્રીજા દિવસે (4થી ફેબ્રુઆરી) ભારતીય બેટ્સમેન શુભમન ગિલની ચમક જોવા મળી હતી. ગિલે ભારતની બીજી ઇનિંગમાં વિસ્ફોટક સદી ફટકારી છે. ગિલે 132 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. જો કે સદી બાદ તે પોતાની ઇનિંગ્સને આગળ લઇ શક્યો ન હતો અને શોએબ બશીરના બોલ પર આઉટ થયો હતો. ગિલે 147 બોલમાં 104 રનની ઇનિંગ રમી જેમાં 11 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. ગિલની ટેસ્ટ કારકિર્દીની આ ત્રીજી સદી હતી.


જો જોવામાં આવે તો શુબમન ગિલે ટેસ્ટ ક્રિકેટમાં 332 દિવસ અને 12 ઈનિંગ્સ બાદ સદી ફટકારી છે. આ પહેલા ગિલની છેલ્લી સદી 9 માર્ચ 2023ના રોજ અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામે આવી હતી. તે સદી બાદ ગિલ 12 ઇનિંગ્સમાં એક પણ અડધી સદી ફટકારી શક્યો ન હતો. તે ઇનિંગ્સમાં, ગિલે 13, 18, 6, 10, 29*, 2, 26, 36, 10, 23, 0 અને 34 રનની ઇનિંગ્સ રમી હતી. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ગિલનું બેટ સંપૂર્ણ રીતે શાંત હતું અને તે ચાર ટેસ્ટ ઇનિંગ્સમાં માત્ર 74 રન જ બનાવી શક્યો હતો.


આ સદી સાથે 24 વર્ષના શુભમન ગિલે એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. ગિલ 24 વર્ષની ઉંમરમાં 10 આંતરરાષ્ટ્રીય સદી કરનારો ત્રીજો ભારતીય બેટ્સમેન બન્યો છે. ગિલ પહેલા, માત્ર સચિન તેંડુલકર અને વિરાટ કોહલી 24 વર્ષની ઉંમરે 10 કે તેથી વધુ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી શક્યા હતા. તમને જણાવી દઈએ કે ગિલે વન ડેમાં સાત સદી અને ટી20 ઈન્ટરનેશનલમાં પણ એક સદી ફટકારી છે.


એટલું જ નહીં, છ વર્ષથી વધુ સમય પછી કોઈ ભારતીય ખેલાડીએ ઘરઆંગણે ત્રીજા નંબર પર બેટિંગ કરતા ટેસ્ટ સદી ફટકારી છે. અગાઉ, હોમ ગ્રાઉન્ડ પર ભારત માટે નંબર-3 પર છેલ્લી સદી નવેમ્બર 2017માં ચેતેશ્વર પૂજારાએ ફટકારી હતી. ત્યારબાદ પુજારાએ નાગપુરમાં શ્રીલંકા સામે સદી ફટકારી હતી.


ચેતેશ્વર પૂજારા ગયા વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ બાદ બહાર થઈ ગયો હતો. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટે ગિલને ત્રીજા નંબર પર ઉતારવાનો નિર્ણય કર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસથી અત્યાર સુધી ગિલ ત્રીજા નંબર પર બેટિંગ કરી રહ્યો છે. ત્રીજા નંબર પર બેટિંગ કરીને તેણે પ્રથમ વખત ટેસ્ટ સદી ફટકારી છે. ગિલે પણ સદી ફટકારીને ટીકાકારોને જવાબ આપ્યો છે. ગિલે 22 ટેસ્ટ મેચોમાં 31.60ની એવરેજથી 1201 રન બનાવ્યા છે, જેમાં ત્રણ સદી અને ચાર અડધી સદી સામેલ છે.