અમદાવાદઃ ક્રિકેટના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં મંગળવારે રાત્રે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી-20 શ્રેણી પૈકીની ત્રીજી મેચ રમાઈ હતી. મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ભારતે મેચ જીતવા આપેલ 157 રનના ટાર્ગેટને ઈંગ્લેન્ડે 18.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. જીત સાથે ઈંગ્લેન્ડ 5 મેચની સીરિઝમાં 2-1થી આગળ થઈ ગયું છે. ભારતે સીરિઝ જીવંત રાખવા ચોથી ટી-20 કોઇપણ સંજોગોમાં જીતવી પડશે.


કોણ છે આ યુવતી


અમદાવાદમાં કોરોનાના કેસ વધતાં શ્રેણીની ત્રીજી, ચોથી અને પાંચમી ટી-20માં પ્રેક્ષકોને ઉપસ્થિત રહેવાની મંજૂરી આપવામાં આવી નહોતી. જે પ્રેક્ષકોએ ટિકિટ ખરીદી હતી તેમને આજની રીફંડ આપવામાં આવી રહ્યું છે. જોકે તેમ છતાં ત્રીજી ટી-20માં એક યુવતી હાજર રહી હતી.  ભારતની ઈનિંગ દરમિયાન 19મી ઓવરમાં હાર્દિક પંડ્યાએ આર્ચરની ઓવરમાં સુપર સિક્સ મારી હતી. જેને જોઈ મેચ નીહાળવા આવેલી તેની પત્ની ખુશીથી ઝુમી ઉઠી હતી અને તાળી પાડીને પતિનો જુસ્સો વધાર્યો હતો. ગ્રે કલરનું ટોપ અને આંખો પર ચશ્મા લગાવી નતાશા પ્રથમ વખત પોતાના પતિ અને ટીમની મેચ જોવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી હતી. જેની તસવીર તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જોકે ટીમ ઈન્ડિયાને ચીયર કરવા તેના અન્ય પરિવારજનો સ્ટેડિયમમાં નહોતા.


બટલરના વાવાઝોડામાં ઉડ્યા ભારતીય બોલર


ઈંગ્લેન્ડ તરફથી જોસ બટલરે 52 બોલમાં અણનમ 83 રન ફટકાર્યા હતા. તેણે 5 ફોર અને 4 છગ્ગા માર્યા હતા. જ્યારે જોની બેયરસ્ટે 28 બોલમાં 40 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. જેસન રોયે 9 અને ડેવિડ મલાને 18 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી ચહલ અને વોશિંગ્ટન સુંદરને એક એક સફળતા મળી હતી.


કોહલી સિવાય તમામ ફેલ


ત્રીજી ટી-20માં ભારતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 156 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટન કોહલીએ સર્વાધિક અણનમ 77 રન બનાવ્યા હતા. તેણે 8 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. પંતે 20 બોલમાં 25 રનનું યોગદાન આપ્યું હતું.