IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચ આવતીકાલથી લોર્ડ઼્સમાં રમાશે. ઐતિહાસિક મેદાન પર રમાનારી મેચ માટે ઈંગ્લેન્ડે ટીમમાં ઘાયલ સ્ટુઅર્ટ બ્રોડના કવર તરીકે લેંકેશાયરના ફાસ્ટ બોલર સાકિબ મહમૂદને ટીમમાં સામેલ કર્યો છે. બુધવારે ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડે આ માહિતી આપી હતી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે નોટિંઘમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ ડ્રો થઈ હતી.
ઈંગ્લેન્ડનો સીનિયર ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડ કાફ ઈન્જરીથી પરેશાન છે. આ ઈજાના કારણે તે સીરિઝની બાકીની મેચમાંથી બહાર થઈ શકે છે. સાકિબને તેના કવર તરીકે ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બ્રોડ આ ટેસ્ટમાં રમશે કે નહીં તેનો ફેંસલો ઈંગ્લેન્ડની મેડિકલ ટીમ કરશે. જો બ્રોડ રમશે તો તેના માટે આ ટેસ્ટ મેચ ખાસ બનશે, કારણકે બ્રોડ 149 ટેસ્ટ રમી ચુક્યો છે અને આવતીકાલથી શરૂ થનારી મેચ તેના કરિયરની 150મી ટેસ્ટ હશે.
સાકિબ અત્યાર સુધી ઈંગ્લેન્ડની ટેસ્ટ ક્રિકેક ટીમમાં ડેબ્યૂ નથી કર્યું. 24 વર્ષીય સાકિબ ઈંગ્લેન્ડ તરફથી સાત વન ડે અને નવ ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમી ચુક્યો છે. જેમાં અનુક્રમે 14 અને 7 વિકેટ ઝડપી છે. સાકિબે તાજેતરમાં પાકિસ્તાન સામે રમાયેલી વન ડે ઈન્ટરનેશનલ સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતું અને તેને મેન ઓફ ધ સીરિઝ જાહેર કરાયો હતો.
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે નોટિંઘમના ટ્રેંટ બ્રિજમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં સ્લો ઓવર રેટ માટે બંને ટીમો પર 40 ટકા દંડ ફટકાર્યો છે. ઉપરાંત આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાંથી બે-બે પોઈન્ટ પણ કાપી નાંક્યા છે. ભારત અને ઈંગ્લેન્ડની ટીમે નિર્ધારીત સમયમાં બે-બે ઓવર ઓછી ફેંકી હતી. જે બાદ મેચ રેફરી ક્રિસ બોર્ડ આ દંડ ફટકાર્યો હતો. ખેલાડીઓ અને તેના સહયોગી સ્ટાફ માટે આઈસીસીની કલમ 2.22 અનુસાર નિર્ધારીત સમયમાં એક ઓવર ઓછી ફેંકવા પર ખેલાડીઓને તેમની મેચ ફીનો 20 ટકા દંડ કરવામાં આવે છે. આ ઉપરાંત આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે નક્કી કરવામાં આવેલા નિયમો મુજબ નિર્ધારીત સમયમાં ઓછી ઓવર ફેંકવા બદલ ટીમને એક પોઈન્ટનો દંડ કરાય છે.