India vs England T20 highlights: માન્ચેસ્ટરમાં રમાયેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાને 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 190 રનનો મજબૂત સ્કોર ઊભો કર્યો હતો, પરંતુ ઈંગ્લેન્ડના યુવા બેટ્સમેન જેકબ બેથેલે એકલા હાથે તોફાની અડધી સદી ફટકારીને ભારત પાસેથી મેચ છીનવી લીધી. ભારતીય બોલરો બેથેલના વાવાઝોડા સામે ટકી શક્યા નહીં અને ઈંગ્લેન્ડે છેલ્લી ઓવરમાં રોમાંચક રીતે આ મેચ પોતાના નામે કરી લીધી.

Continues below advertisement

બેથેલની મેચવિનિંગ ઈનિંગ અને બિશ્નોઈની ખર્ચાળ ઓવર

ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે પહેલી જ ઓવરમાં જોસ બટલર અને ફિલ સોલ્ટને આઉટ કરીને ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. ત્યારબાદ જેકબ બેથેલ મેદાનમાં આવ્યો હતો. એક સમયે બેથેલ 33 બોલમાં 37 રન પર રમી રહ્યો હતો, પરંતુ પછી તેણે અચાનક ગિયર બદલ્યો અને છેલ્લા 13 બોલમાં 39 રન ઝૂડી કાઢ્યા. તેણે 46 બોલમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 76 રનની મેચવિનિંગ ઈનિંગ રમી.

Continues below advertisement

ઈંગ્લેન્ડને છેલ્લી 5 ઓવરમાં જીતવા માટે 49 રનની જરૂર હતી અને ભારત પાસે વાપસી કરવાની તક હતી. પરંતુ 16મી ઓવર નાખવા આવેલા રવિ બિશ્નોઈએ 2 નો-બોલ સાથે કુલ 9 બોલ ફેંક્યા અને 3 છગ્ગા તથા 1 ચોગ્ગા સાથે 29 રન લૂંટાવી દીધા. અહીંથી જ મેચ ભારતની પકડમાંથી સંપૂર્ણપણે સરકી ગઈ.

આ પણ વાંચોઃ પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ

વૈભવનું ઐતિહાસિક ડેબ્યૂ અને ઈશાન કિશનની ધીમી બેટિંગ

આ મેચમાં 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ પોતાનું ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું. આ સાથે જ તે ભારત માટે ડેબ્યૂ કરનાર સૌથી નાની ઉંમરનો ક્રિકેટર બની ગયો છે. જોકે, સંજુ સેમસનની જગ્યાએ રમનાર વૈભવ પોતાની પહેલી મેચમાં 10 બોલમાં માત્ર 14 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

બીજી તરફ, ઈશાન કિશને 49 રન બનાવ્યા, પરંતુ તેણે તે માટે 40 બોલ રમ્યા. તે ક્રીઝ પર સેટ થઈ ગયો હતો, છતાં તેની આ ધીમી ઈનિંગના કારણે 14મી ઓવર પછી ભારતની રનની ગતિ ધીમી પડી ગઈ. આગામી 4 ઓવરમાં ટીમ માત્ર 24 રન જ બનાવી શકી. આ ધીમી બેટિંગ જ ભારત 200 રનનો આંકડો પાર ન કરી શકવાનું મુખ્ય કારણ બની.

આ પણ વાંચોઃ ભારત vs ઈંગ્લેન્ડ 1st T20I: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને ન મળી તક

બોલરોના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ

આ મેચમાં ભારતીય બોલિંગનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું. અર્શદીપ સિંહ અને રવિ બિશ્નોઈના નામે એક અનિચ્છનીય રેકોર્ડ નોંધાઈ ગયો છે. અર્શદીપે પોતાની એક ઓવરમાં 27 રન આપ્યા, જ્યારે રવિ બિશ્નોઈએ એક ઓવરમાં 29 રન લૂંટાવ્યા. આ સાથે જ તેઓ T20 મેચમાં એક જ ઓવરમાં સૌથી વધુ રન આપનારા બોલરોની યાદીમાં સામેલ થઈ ગયા છે.