ઓકલેન્ડઃઆવતીકાલે ન્યૂઝિલેન્ડ અને ટીમ ઇન્ડિયા વચ્ચે બીજી વન-ડે મેચ રમાશે. ટીમ ઇન્ડિયા માટે સીરિઝ જીવંત રાખવા માટે આવતીકાલની વન-ડે મેચ જીતવી જરૂરી છે. આ અગાઉ પ્રથમ વન-ડે મેચમાં ભારતનો ચાર વિકેટથી પરાજય થયો હતો. ટીમ ઇન્ડિયા પ્રથમ બેટિંગ કરતા 348 રનનો વિશાળ લશ્ર્યાંક આપ્યો હતો જેના જવાબમાં ન્યૂઝિલેન્ડની ટીમે છ વિકેટના નુકસાન પર જીત હાંસલ કરી લીધી હતી. બીજી વન-ડેમાં ભારત માટે કરો યા મરો જેવી સ્થિતિ છે જ્યારે ન્યૂઝિલેન્ડ મેચ જીતી સીરિઝ જીતવાનો પ્રયાસ કરશે. આ અગાઉ ટીમ ઇન્ડિયા ટી-20 સીરિઝમાં 5-0થી જીત મેળવી ચૂકી છે.


ન્યૂઝિલેન્ડના બેટ્સમેનોએ પ્રથમ વન-ડેમાં ભારત પર પુરી રીતે દબાણ બનાવ્યું હતું અને ભારતના બોલરો પાસે તેનો કોઇ જવાબ નહોતો. પ્રથમ વન-ડેમાં કોહલીએ વિકેટ લેવા માટે બુમરાહ પર જ વિશ્વાસ  મુક્યો હતો. પ્રથમ વન-ડેમાં ભારતની ફિલ્ડિંગ પણ ખરાબ હતી.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ટીમ મેનેજમેન્ટે પ્રથમ મેચમાંથી પાઠ મેળવી નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરશે. બોલિંગમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. ભારતીય બેટિંગની વાત કરવામાં આવે તો શ્રેયસ ઐય્યર,, લોકેશ રાહુલ શાનદાર ફોર્મમાં છે. ઐય્યરે પ્રથમ વન-ડેમાં સદી ફટકારી હતી. ઓપનિંગમાં પૃથ્વી શો અને મયંક અગ્રવાલને ફરી તક આપવામાં આવી શકે છે.