IND vs NZ 2nd Test : ન્યુઝીલેન્ડે ટેસ્ટ જીતી ઇતિહાસ રચ્યો, ટીમ ઈન્ડિયા 12 વર્ષમાં પ્રથમવાર ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ હાર્યું
India vs New Zealand 2nd Pune Test Day 3: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ પુણેમાં રમાઈ રહી છે. તમે પૂણે ટેસ્ટના ત્રીજા દિવસના તમામ અપડેટ્સ અહીં વાંચી શકો છો.
પુણેમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ન્યુઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને 116 રનથી હરાવ્યું હતું. આ સાથે કિવી ટીમે સિરીઝ પર પણ કબજો કરી લીધો છે. ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી છે. જ્યારે ટીમ ઈન્ડિયા 12 વર્ષ બાદ ઘર આંગણે ટેસ્ટ સિરીઝ હાર્યું છે. પુણે ટેસ્ટમાં ન્યુઝીલેન્ડે ભારતને 359 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં રોહિતની ટીમ માત્ર 245 રન જ બનાવી શકી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી મિશેલ સેન્ટનરે કુલ 13 વિકેટ લીધી હતી. તેણે પ્રથમ દાવમાં 7 અને બીજી ઈનિંગમાં 6 વિકેટ ઝડપી હતી.
પુણે ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની હાર નિશ્ચિત છે. ભારતનો સ્કોર 8 વિકેટે 218 રન છે. રવિન્દ્ર જાડેજા બે ચોગ્ગાની મદદથી 31 રન પર છે. આકાશદીપે હજુ ખાતું ખોલ્યું નથી. ન્યુઝીલેન્ડ ઈતિહાસ રચવાની નજીક છે.
ટીમ ઈન્ડિયાની આઠમી વિકેટ 206 રન પર પડી છે. અશ્વિન 34 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. અશ્વિન મિશેલ સેન્ટનરના હાથે સ્લિપમાં કેચ આઉટ થયો હતો. આ તેની છઠ્ઠી વિકેટ છે. મેચ હવે સંપૂર્ણ રીતે ન્યુઝીલેન્ડના હાથમાં છે.
359 રનના ટાર્ગેટનો પીછો કરતા ત્રીજા દિવસે ટી બ્રેક સુધી ટીમ ઈન્ડિયાનો સ્કોર સાત વિકેટે 178 રન છે. રવિન્દ્ર જાડેજા ચાર અને રવિચંદ્રન અશ્વિન 09 રને રમતમાં છે. ભારતને જીતવા માટે હજુ 181 રન બનાવવાના છે. હવે બંને પાસેથી કોઈ ચમત્કારની અપેક્ષા છે. ન્યૂઝીલેન્ડ તરફથી મિશેલ સેન્ટનરે પાંચ વિકેટ ઝડપી છે. આ રન ચેઝમાં એક સમયે ભારતનો સ્કોર એક વિકેટે 96 રન હતો.
ટીમ ઈન્ડિયાની છઠ્ઠી વિકેટ 165 રન પર પડી છે. મિશેલ સેન્ટનરે સરફરાઝ ખાનને બોલ્ડ કર્યો હતો. આ તેની પાંચમી વિકેટ છે. સેન્ટનરે પ્રથમ દાવમાં સાત વિકેટ ઝડપી હતી. હવે વોશિંગ્ટન સુંદર અને રવિન્દ્ર જાડેજા ક્રિઝ પર છે. ભારતને જીતવા માટે હજુ 194 રન બનાવવાના છે.
359 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 147 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી છે. મેચ હવે સંપૂર્ણ રીતે ન્યુઝીલેન્ડના હાથમાં છે. વિરાટ કોહલી 40 બોલમાં 17 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. વિરાટને પણ મિશેલ સેન્ટનરે આઉટ કર્યો હતો. ભારતને જીતવા માટે હજુ 212 રન બનાવવાના છે. હાલમાં વોશિંગ્ટન સુંદર અને સરફરાઝ ખાન ક્રિઝ પર છે.
ટીમ ઈન્ડિયાએ 127 રનમાં ચોથી વિકેટ ગુમાવી દીધી છે. હવે અહીંથી જીતની જવાબદારી વિરાટ કોહલી પર છે. પાંચમા નંબરે આવેલ રિષભ પંત ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. તે રન આઉટ થયો હતો. ભારતે હવે જીતવા માટે 232 રન બનાવવાના છે.
ટીમ ઈન્ડિયાનો સ્કોર બે વિકેટે 110 રન થઈ ગયો છે. ભારતે હવે જીતવા માટે વધુ 249 રન બનાવવાના છે. યશસ્વી જયસ્વાલ 51 બોલમાં 65 રન બનાવીને રમતમાં છે. તેણે 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા છે. વિરાટ કોહલી ચાર બોલમાં પાંચ રન પર છે.
ટીમ ઈન્ડિયાની બીજી વિકેટ 96 રન પર પડી. મિશેલ સેન્ટનરે શુભમન ગિલને સ્લિપમાં કેચ આઉટ કરાવ્યો હતો. ગિલ 31 બોલમાં 23 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. એક છેડે યશસ્વી જયસ્વાલ શાનદાર બેટિંગ કરી રહ્યો છે. તે 46 બોલમાં 56 રન બનાવીને રમતમાં છે. ભારતને જીતવા માટે હજુ 263 રન બનાવવાના છે.
359 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે ત્રીજા દિવસે લંચ સુધી એક વિકેટ ગુમાવીને 81 રન બનાવી લીધા છે. ભારતે હવે જીતવા માટે વધુ 278 રન બનાવવાના છે. ભલે રોહિત શર્માનું બેટ ન ચાલ્યું, પણ યશસ્વી જયસ્વાલના રનની ગતિમાં કોઈ ફરક પડ્યો ન હતો. શુભમન ગિલ પણ શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. યશસ્વી જયસ્વાલ 36 બોલમાં 46 રન બનાવીને રમતમાં છે. તેણે 3 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા છે. શુભમન ગિલ 20 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 22 રન બનાવી રહ્યો છે. બંને વચ્ચે 38 બોલમાં 47 રનની ભાગીદારી થઈ છે.
359 રનના લક્ષ્યનો પીછો કરી રહેલી ટીમ ઈન્ડિયાની પ્રથમ વિકેટ પડી છે. ભારતે 34 રનમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. કેપ્ટન રોહિત શર્મા 16 બોલમાં આઠ રન બનાવીને આઉટ થયો હતો. મિશેલ સેન્ટનરે હિટમેનને પેવેલિયન મોકલ્યો હતો.
359 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ ચાર ઓવરમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 25 રન બનાવી લીધા છે. ભારતે હવે જીતવા માટે વધુ 334 રન બનાવવાના છે. યશસ્વી જયસ્વાલ 17 બોલમાં 20 રન બનાવીને રમતમાં છે. તેણે બે ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા છે. રોહિત શર્મા સાત બોલમાં ચાર રન પર છે.
ટીમ ઈન્ડિયાએ પુણેમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં જોરદાર વળતો પ્રહાર કર્યો હતો. એક સમયે એવું લાગતું હતું કે ન્યૂઝીલેન્ડની ટીમ આ મેચ આસાનીથી જીતી જશે, પરંતુ ટીમ ઈન્ડિયાએ રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરની મજબૂત સ્પિન બોલિંગથી ગેમ ફેરવી નાખી. બીજા દાવમાં ન્યૂઝીલેન્ડની ટીમ 255 રન જ બનાવી શકી હતી. હવે ટીમ ઈન્ડિયાને જીતવા માટે 359 રન બનાવવા પડશે.
પ્રથમ દાવમાં ન્યૂઝીલેન્ડે ડેવોન કોનવે અને રચિન રવિન્દ્રની મજબૂત અડધી સદીની મદદથી 259 રન બનાવ્યા હતા. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે સાત વિકેટ ઝડપી હતી. આ પછી ટીમ ઈન્ડિયા તેની પ્રથમ ઈનિંગમાં 156 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે કિવી ટીમને 103 રનની જંગી લીડ મળી હતી. હવે બીજી ઇનિંગમાં ન્યૂઝીલેન્ડે 255 રન બનાવી લીધા છે અને ભારતને 359 રનનો ટાર્ગેટ આપ્યો છે.
પુણે ટેસ્ટમાં તેના બીજા દાવમાં બેટિંગ કરી રહેલી ન્યુઝીલેન્ડને ટિમ સાઉથીના રૂપમાં 8મો ફટકો લાગ્યો છે. આર અશ્વિને 65મી ઓવરમાં સાઉથીને ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન મોકલી દીધો હતો. હવે એજાઝ પટેલ બેટિંગ માટે ક્રિઝ પર આવ્યો છે. 65 ઓવર પછી ન્યુઝીલેન્ડનો સ્કોર 238/8 રન છે.
રવિન્દ્ર જાડેજાએ ટોમ બ્લંડેલને બોલ્ડ કરીને ટીમ ઈન્ડિયાને છઠ્ઠી સફળતા અપાવી હતી. ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાની આ પહેલી સફળતા હતી જે 60મી ઓવરમાં મળી હતી. હવે મિશેલ સેન્ટનર બેટિંગ કરવા માટે ક્રિઝ પર આવ્યો છે. 60 ઓવર પૂર્ણ થયા બાદ ન્યુઝીલેન્ડનો સ્કોર 231/6 રન છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ પુણેમાં રમાઈ રહી છે. મેચના ત્રીજા દિવસની રમત શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધી ટીમ ઈન્ડિયા આ મેચમાં ઘણી પાછળ દેખાઈ છે.
બ્રેકગ્રાઉન્ડ
India vs New Zealand 2nd Pune Test Day 3: પુણેમાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ રમાઈ રહી છે. આ પહેલા શ્રેણીની પ્રથમ મેચ બેંગલુરુમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાને બેંગલુરુ ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ટીમ ઈન્ડિયા પુણે ટેસ્ટમાં પણ હારના અણી પર હોય તેમ લાગી રહ્યું છે. ટીમ ઈન્ડિયા માટે ખરાબ બેટિંગ મુશ્કેલ બનતી દેખાઈ રહી છે.
પુણે ટેસ્ટના બે દિવસ પૂર્ણ થયા છે. બીજા દિવસના અંત સુધીમાં ન્યુઝીલેન્ડે 301 રનની લીડ મેળવી લીધી હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને મોટો ટાર્ગેટ મળવાની ખાતરી છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ટીમ ઈન્ડિયા મોટા ટાર્ગેટ સામે કેવી રીતે બેટિંગ કરે છે. સતત શ્રેણીની બીજી ટેસ્ટમાં કિવી ટીમ શાનદાર પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને 36 વર્ષ બાદ ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -