નવી દિલ્હી: એશિયા કપ 2022ની સુપર-4 મેચ શરૂ થઈ ગઈ છે. શારજાહમાં શનિવારે સુપર-4 સ્ટેજની પ્રથમ મેચ શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. આ મેચમાં શ્રીલંકાની ટીમે ચાર વિકેટથી મોટી જીત મેળવી હતી. આ તબક્કાની બીજી મેચ આજે દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. બંન્ને ટીમો આ મેચ જીતીને આ તબક્કામાં શાનદાર શરૂઆત કરવાનો પ્રયાસ કરશે. આ પહેલા પાકિસ્તાનની ટીમને સુપર સિક્સ મેચમાં ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાન આજની મેચમાં અગાઉની હારનો બદલો લેવા માંગશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ આ મજબૂત પ્લેઈંગ ઈલેવન સાથે આજની મેચમાં પ્રવેશ કરી શકે છે.




રોહિત-રાહુલ કરશે ઓપનિંગ


આજની મેચમાં ફરી એકવાર રોહિત શર્મા અને કેએલ રાહુલની જોડી ઇનિંગની શરૂઆત કરતી જોવા મળી શકે છે. જો કે વર્તમાન ટુર્નામેન્ટમાં બંને ખેલાડીઓનો સંઘર્ષ ચાલુ છે. રોહિત શર્માએ પાકિસ્તાન સામે માત્ર 12 રન બનાવ્યા હતા.


બીજી તરફ વાઈસ કેપ્ટન કેએલ રાહુલની વાત કરીએ તો તેનું પ્રદર્શન શાનદાર રહ્યું નથી. પાકિસ્તાન સામે તે નસીમ શાહના પહેલા જ બોલ પર બોલ્ડ થયો હતો. જ્યારે હોંગકોંગ સામે તે દરેક રન માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. પરંતુ આ બંને ખેલાડીઓની બેટિંગ ક્ષમતાથી આખી દુનિયા સારી રીતે વાકેફ છે.


આ ખેલાડીઓ મિડલ ઓર્ડરનો હવાલો સંભાળશે


પાકિસ્તાન સામે મિડલ ઓર્ડરમાં બેટ્સમેન વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા પર તમામ આધાર રહેશે. આ ત્રણેય ખેલાડીઓએ વર્તમાન ટુર્નામેન્ટમાં અત્યાર સુધીનું પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે. આ સિવાય દિનેશ કાર્તિકને પ્લેઈંગ ઈલેવનમાં વિકેટ કીપર ખેલાડી તરીકે તક મળી શકે છે. કાર્તિક આઈપીએલથી જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યો છે. ઈજાગ્રસ્ત ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની જગ્યાએ અક્ષર પટેલ તક આપવામાં આવી શકે છે.


અવેશ ખાનની તબિયત સારી ન હોવાના કારણે ટીમ મેનેજમેન્ટ આજે દીપક હુડાને ટીમમાં સામેલ કરી શકે છે. આ સિવાય ભૂવનેશ્વર કુમાર અને અર્શદીપ સિંહને સ્થાન મળી શકે છે. યુઝવેન્દ્ર ચહલને તક મળી શકે છે.


ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન


રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, દીપક હુડા, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ.