Hardik Pandya: T20 વર્લ્ડ કપ 2022માં ભારતે પાકિસ્તાન સામે શાનદાર જીત મેળવી છે. આ મેચમાં ભારત માટે હાર્દિક પંડ્યાનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું. હાર્દિક પંડ્યાએ બોલ અને બેટ બંનેથી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. હાર્દિકે બેટ વડે 40 રનની મહત્વની ઈનિંગ રમી હતી, જ્યારે બોલિંગમાં તેણે ત્રણ વિકેટ ઝડપી હતી. મેચ ખતમ થયા બાદ તે તેના પિતાને યાદ કરીને રડી પડ્યો હતો. તેણે તેના પિતા વિશે પણ વાત કરી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


પોતાના પિતાને યાદ કરતાં હાર્દિકે કહ્યું, "પોતાનાં બાળકો માટે શહેર બદલવું એ મોટી વાત છે. હું મારા પુત્રને ખૂબ પ્રેમ કરું છું અને તેના માટે બધું જ કરીશ. જો કે, અમે બંને ભાઈઓ જ્યારે છ વર્ષના હતા ત્યારે શહેર અને આખો ધંધો છોડીને બીજી જગ્યાએ જવું એ એક મોટી વાત છે. તેમણે (પિતા હિમાંશુ પંડ્યા) કરેલા કામ માટે હું હંમેશા કૃતજ્ઞ રહીશ."


ગયા વર્ષે હાર્દિકના પિતાનું અવસાન થયું હતુંઃ


હાર્દિકના પિતા હિમાંશુ પંડ્યાનું 16 જાન્યુઆરી 2021ના રોજ હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું. હાર્દિક તેના પિતાની ખૂબ નજીક હતો અને ઘણીવાર તે તેના પિતાને યાદ કરીને ભાવુક થઈ જતો હતો. પિતાના અવસાનના બીજા જ દિવસે હાર્દિકે સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ કરી હતી જેમાં તેણે ઘણી બધી વાતો લખી હતી. પોતાની પોસ્ટ દ્વારા હાર્દિકે જણાવ્યું હતું કે, તે અત્યારે જે પણ છે તે પિતાજીના કારણે જ છે.






T20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાનને 4 વિકેટથી હરાવીને શાનદાર શરુઆત કરી છે. પાકિસ્તાને આપેલા 160 રનના ટાર્ગેટ સામે ભારતે 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ મેળવી લીધો હતો. આજની મેચમાં વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા મેચના હિરો સાબિત થયા હતા. વિરાટ કોહલીએ 82 રનની શાનદાર ઈનિંગ રમીને રનની આતબાજી સમાન બેટિંગ કરીને અણનમ રહ્યો હતો. આ સાથે હાર્દિક પંડ્યાએ પણ 37 બોલમાં 40 રનનું યોગદાન આપ્યું હતું.