31 જૂલાઈના રોજ યોજાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની સેમિફાઇનલ મેચ રદ કરવામાં આવી છે. WCL 2025ની આ સેમિફાઇનલ મેચ બર્મિંગહામમાં રમાવાની હતી, પરંતુ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન ટીમ સાથે રમવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે આ મેચ રદ કરવામાં આવી છે. પોઈન્ટ ટેબલમાં સારી સ્થિતિમાં હોવાને કારણે પાકિસ્તાનને ફાઇનલમાં પ્રવેશ મળ્યો છે, જે 2 ઓગસ્ટના રોજ બર્મિંગહામમાં રમાશે. ફાઈનલમાં પાકિસ્તાનની ટીમ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી સેમિફાઇનલના વિજેતા સામે ટકરાશે.

એશિયા કપ 2025નો કાર્યક્રમ જાહેર થયા પછી સમગ્ર ભારતમાં પાકિસ્તાન સામેની ક્રિકેટ મેચનો વિરોધ થઈ રહ્યો છે. સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સાથે મેચ ન રમવી જોઈએ. WCL 2025ની સેમિફાઇનલ મેચ રદ થવાથી BCCI પર ક્યાંકને ક્યાંક દબાણ વધ્યું હશે. વર્તમાન શિડ્યૂલ મુજબ, એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચ 14 સપ્ટેમ્બરના રોજ રમાવાની છે.

એપ્રિલમાં પહલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેના કારણે આજે પણ ભારતીયોમાં ગુસ્સો છે. આ જ કારણ છે કે ભારતના લોકો ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સાથે ક્રિકેટ રમે તે જોવા માંગતા નથી. વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ વિશે વાત કરીએ તો બુધવારે, લીગના મુખ્ય સ્પોન્સર્સમાંના એક 'ઈઝ માય ટ્રીપ' એ ભારત-પાકિસ્તાન મેચથી પોતાને અલગ કરી દીધા હતા. જ્યારે આ કંપનીએ બે વર્ષ પહેલા WCL સાથે 5 વર્ષનો કરાર કર્યો હતો, ત્યારે કંપનીએ સ્પષ્ટ કર્યું હતું કે તે એવી કોઈપણ મેચમાં સામેલ થવા માંગતી નથી જેમાં પાકિસ્તાન ટીમ રમી રહી છે.

અગાઉ, ભારત અને પાકિસ્તાન વચ્ચેની લીગ મેચ પણ રદ કરવામાં આવી હતી કારણ કે હરભજન સિંહ અને શિખર ધવન સહિત ઘણા ભારતીય દિગ્ગજોએ પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાનો ઇનકાર કર્યો હતો.

ખેલાડીઓનો બહિષ્કાર

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો સુરેશ રૈના અને શિખર ધવન જેવા દિગ્ગજોએ પણ અગાઉથી જ પાકિસ્તાન સામે ન રમવાની વાત કરી હતી. શિખર ધવને તો સોશિયલ મીડિયા પર એક જૂનો ઈમેલ પણ શેર કર્યો હતો, જેમાં તેણે WCL ના આયોજકોને પહેલાથી જ જાણ કરી હતી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને, તે પાકિસ્તાન સામે કોઈ મેચ નહીં રમે. હરભજન સિંહ પણ આ બહિષ્કાર શરૂ કરનારા મહત્વપૂર્ણ ખેલાડીઓમાં સામેલ હતા.