India vs South Africa 1st T20 2006: હાલમાં ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે છે, અને અહીં ટેસ્ટ, વનડે સીરીઝ પુરી રમ્યા બાદ હવે આજથી ટી20 સીરીઝ રમવા મેદાનમાં ઉતરવાની છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટી20 સીરીઝની પ્રથમ મેચ ગુરુવારે રમાશે. ટીમ ઈન્ડિયાની આ 200મી ટી20 મેચ હશે. આ પહેલા ભારતે 199 મેચ રમી છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ મેચ વર્ષ 2006માં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. આ મેચ દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગ મેદાનમાં 1લી ડિસેમ્બર, 2006ના દિવસે રમાઇ હતી. વીરેન્દ્ર સેહવાગની કેપ્ટન્સીમાં રમાયેલી આ મેચમાં ભારતે 6 વિકેટે જીત મેળવી હતી. આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. ભારતે માત્ર 1 બૉલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયા માટે દિનેશ મોંગિયા અને દિનેશ કાર્તિકે મહત્વની ભૂમિકા ભજવી હતી. ઝહીર ખાન અને અજીત અગરકરે બૉલિંગમાં કમાલ કર્યો હતો.
ભારતીય ટીમે પોતાની પ્રથમ ટી20 મેચમાં રોમાંચક વિજય નોંધાવ્યો હતો. ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમે 9 વિકેટ ગુમાવીને 126 રન બનાવ્યા હતા. કેપ્ટન ગ્રીમ સ્મિથ 21 બૉલમાં 16 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 3 ચોગ્ગા ફટકાર્યા હતા. હર્ષલ ગિબ્સે 7 બૉલમાં 7 રન બનાવ્યા હતા. એબી ડી વિલિયર્સ પણ 4 બૉલમાં માત્ર 6 રન જ બનાવી શક્યો હતો. એલ્બી મોર્કલે 18 બૉલમાં 27 રન બનાવ્યા હતા.
દક્ષિણ આફ્રિકાની ઇનિંગ દરમિયાન ભારત તરફથી ઝહીર અને અજીત અગરકરે શાનદાર બૉલિંગ કરી હતી. ઝહીરે 4 ઓવરમાં માત્ર 15 રન આપીને 2 વિકેટ લીધી હતી. અગરકરે 2.3 ઓવરમાં 10 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેને મેડન ઓવર પણ ફેંકી હતી. શ્રીસંતે 4 ઓવરમાં 33 રન આપીને એક વિકેટ લીધી હતી. સચિન તેંદુલકર અને હરભજન સિંહને પણ એક-એક વિકેટ મળી હતી. હરભજને 3 ઓવરમાં 22 રન આપ્યા હતા.
દક્ષિણ આફ્રિકાએ આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 19.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ભારત તરફથી દિનેશ મોંગિયા અને કાર્તિકે શાનદાર પ્રદર્શન કર્યું હતું. મોંગિયાએ 45 બૉલમાં 38 રન બનાવ્યા હતા. તેને 4 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. કાર્તિકે 28 બૉલમાં 31 રન બનાવ્યા હતા. તેને 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. સુરેશ રૈના 3 રન બનાવીને અણનમ રહ્યો હતો. મહેન્દ્ર સિંહ ધોની શૂન્ય રને આઉટ થયો હતો. આ રીતે ટીમ ઈન્ડિયાએ 6 વિકેટે જીત મેળવી હતી.