ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરતા બીજી વનડે મેચમાં દક્ષિણ આફ્રિકાને સાત વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે તેણે ત્રણ મેચની સીરિઝ 1-1થી બરોબરી કરી લીધી છે. ભારતીય ટીમની જીતમાં યુવા બેટ્સમેન ઈશાન કિશને પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. ઇશાન કિશને પોતાના હોમ ગ્રાઉન્ડ પર 84 બોલમાં 93 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેમાં તેણે સાત સિક્સ અને ચાર ફોર ફટકારી હતી. આ ઈશાનની વન-ડે ઈન્ટરનેશનલ કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ સ્કોર હતો.






એક સમયે એવું લાગતું હતું કે ઇશાન કિશન તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી ફટકારશે પરંતુ બાદમાં તે 93 રન પર આઉટ થઇ ગયો હતો. ઈશાન કિશન ભલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની પહેલી સદી ચૂકી ગયો હોય, પરંતુ તેણે આ તોફાની ઈનિંગ દરમિયાન એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો. વાસ્તવમાં ઇશાન કિશને આ મેચમાં કુલ સાત સિક્સ ફટકારી હતી, જેના કારણે તે ODI ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ એક ઇનિંગમાં ભારત માટે સૌથી વધુ સિક્સર મારવાના મામલામાં બીજા નંબર પર આવી ગયો છે.


ગાંગુલી-રોહિત શર્માને પાછળ છોડી દીધા


ઈશાન કિશને આ મામલે પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી અને વર્તમાન કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડી દીધા છે. ગાંગુલી અને રોહિત શર્માએ સાઉથ આફ્રિકા સામેની વનડેમાં એક ઇનિંગમાં છ- છ છગ્ગા ફટકાર્યા હતા. સાથે જ યુસુફ પઠાણે 2011માં સેન્ચુરિયન મેદાન પર દક્ષિણ આફ્રિકા સામેની વનડેમાં કુલ આઠ સિક્સર ફટકારી હતી.


મેચની વાત કરીએ તો ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ સાત વિકેટે 278 રન બનાવ્યા હતા. એડન માર્કરામે 79 અને રીઝા હેન્ડ્રીક્સે 74 રન બનાવ્યા હતા. બંને ખેલાડીઓએ ત્રીજી વિકેટ માટે 129 રનની ભાગીદારી નોંધાવી હતી. આ બંને સિવાય ડેવિડ મિલરે અણનમ 35 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી મોહમ્મદ સિરાજે ત્રણ વિકેટ ઝડપી હતી.


શ્રેયસ અય્યરે સદી ફટકારી હતી


જેના જવાબમાં ભારતીય ટીમે 45.5 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. શ્રેયસ અય્યરે શાનદાર બેટિંગ કરતા અણનમ 113 રન બનાવ્યા હતા. આ તેની વન-ડે ઈન્ટરનેશનલ કારકિર્દીની માત્ર બીજી સદી હતી, જ્યારે ઈશાન કિશને 93 રનનું યોગદાન આપ્યું હતું. બંને ખેલાડીઓએ ત્રીજી વિકેટ માટે 161 રનની ભાગીદારી કરી હતી. હવે સિરીઝની છેલ્લી મેચ 11 ઓક્ટોબરે રાંચીમાં રમાવાની છે.