કોલકત્તાઃ ભારતે શ્રીલંકા સામેની બીજી વનડે ચાર વિકેટે જીતી લીધી હતી. ભારતને જીતવા માટે 216 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેણે 40 બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે ભારતીય ટીમે વનડે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. શ્રેણીની ત્રીજી અને છેલ્લી વનડે 15 જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં રમાશે.






આ મેચમાં જીત સાથે ભારતીય ટીમે કેટલાક મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. ભારતીય ટીમે શ્રીલંકા સામે વનડેમાં 95મી જીત મેળવી હતી. હવે તે કોઈપણ એક ટીમ સામે સૌથી વધુ મેચ જીતવાના મામલે સંયુક્ત રીતે નંબર વન પર આવી ગઈ છે. આ મામલામાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાની બરાબરી કરી છે જેણે 95 મેચ જીતી હતી.


વનડેમાં એક ટીમ સામે સૌથી વધુ જીત


95- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ (141 મેચ)


95- ભારત વિરુદ્ધ શ્રીલંકા (164 મેચ)


92- પાકિસ્તાન વિરુદ્ધ શ્રીલંકા (155 મેચ)


87- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈંગ્લેન્ડ (155 મેચ)


80- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારત (143 મેચ)


શ્રીલંકા સામે સતત દસમી શ્રેણી જીતી


ભારતીય ટીમે શ્રીલંકા સામે સતત દસમી વનડે શ્રેણી જીતી છે. વર્ષ 2006માં બંને ટીમો વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી 0-0થી ડ્રો રહી હતી. આ પછી ભારતે તમામ 10 સીરિઝ પર કબ્જો કરી લીધો છે. ઈડન ગાર્ડન્સ ખાતે શ્રીલંકા સામેની વનડેમાં ભારતની આ ચોથી જીત હતી. અગાઉ બંને ટીમો વચ્ચે આ મેદાન પર પાંચ મેચ રમાઈ હતી, જેમાં ભારતે ત્રણ અને શ્રીલંકાએ એક મેચ જીતી હતી.


શ્રીલંકાએ આ મામલે ભારતને પાછળ છોડી દીધું છે


બીજી વન-ડેમાં હાર સાથે શ્રીલંકા હવે T20 સિવાય સૌથી વધુ વન-ડે મેચ હારનારી ટીમ બની ગઈ છે. વન-ડે હારવાના મામલામાં તેણે ભારતને પાછળ છોડી દીધું છે. વનડેમાં શ્રીલંકાની આ 437મી હાર છે. શ્રીલંકાએ 94 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચો પણ હારી છે, જે તમામ ટીમોમાં સૌથી વધુ છે.


મેચની વાત કરીએ તો ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 39.5 ઓવરમાં 215 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ડેબ્યૂ મેચ રમી રહેલા નુવાનિડુ ફર્નાન્ડોએ 50 અને કુસલ મેન્ડિસે 34 રન બનાવ્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. બીજી તરફ ઉમરાન મલિકને બે સફળતા મળી હતી.


જવાબમાં ભારતે 43.2 ઓવરમાં છ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. કેએલ રાહુલે 103 બોલનો સામનો કરીને અણનમ 64 રન બનાવ્યા. રાહુલ સિવાય હાર્દિક પંડ્યાએ 36 અને શ્રેયસ ઐય્યરે 28 રન બનાવ્યા હતા. કુલદીપ યાદવને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો