IND vs SL, Super Over: ભારતે ત્રીજી ટી20 સુપર ઓવરમાં જીતી હતી. આ સાથે ટી20 શ્રેણીમાં શ્રીલંકાનો વ્હાઈટ વોશ થયો હતો. શ્રીલંકાએ સુપર ઓવરમાં 2 વિકેટ ગુમાવી 2 રન કર્યા હતા. ભારતે પ્રથમ બોલે જ બાઉન્ડ્રી ફટકારી મેચ જીતી હતી.


શ્રીલંકાએ સુપર ઓવરમાં ભારતને ત્રણ રનનો ટાર્ગેટ આપ્યો હતો. શ્રીલંકાને પ્રથમ બોલ પર એક રન વાઈડ મળ્યો હતો. આ પછી કુસલ મેન્ડિસે એક રન બનાવ્યો હતો. સુંદરે બીજા બોલ પર પરેરાને આઉટ કર્યો. સ્કોર 2/1 હતો. સુંદરે ત્રીજા બોલ પર નિસાન્કાને આઉટ કર્યો. આ રીતે શ્રીલંકાએ માત્ર બે રન બનાવ્યા હતા. સૂર્યકુમારે પ્રથમ બોલે જ ફોર મારતા ભારત વિજેતા થયું હતું.


શ્રીલંકાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 137 રન કર્યા હતા. જેના કારણે મેચ ટાઈ થઈ હતી. એક તબક્કે શ્રીલંકાનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 110 રન હતો ત્યાંથી શ્રીલંકા જીતી જાય તેમ લાગતું હતું પરંતુ ભારતીય બોલર્સે શાનદાર કમબેક કર્યું હતું. 19મી અને 20મી ઓવરમાં શ્રીલંકાએ 2-2 વિકેટ ગુુમાવી હતી.


ત્રીજી T20 મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ટીમ ઈન્ડિયાએ પ્રથમ વિકેટ યશસ્વી જયસ્વાલના રૂપમાં ગુમાવી હતી, જેણે માત્ર 10 રન બનાવ્યા હતા. પરંતુ સૌથી વધુ નિરાશ સંજુ સેમસનને થયો હતો જે આ શ્રેણીમાં સતત બીજી વખત શૂન્યના સ્કોર પર આઉટ થયો હતો. રિંકુ સિંહના બેટિંગ ક્રમમાં ફેરફાર થયો હતો, પરંતુ તે પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો અને માત્ર 1 રન જ બનાવી શક્યો હતો. ભારતીય ટીમની હાલત ખરાબ થઈ રહી હતી, આવી સ્થિતિમાં બધાની નજર કેપ્ટન સૂર્યકુમાર યાદવ પર ટકેલી હતી. સૂર્યાએ ચોગ્ગો ફટકાર્યો, પરંતુ 9 બોલમાં માત્ર 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો.


ગિલ-પરાગે કમાન સંભાળી


શુભમન ગિલે આ સિરીઝમાં 2 મેચ રમી છે અને બંને મેચમાં મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી છે. ટીમ ઈન્ડિયા એક છેડેથી વિકેટો ગુમાવી રહી હતી, પરંતુ ગિલ બીજા છેડેથી અડગ રહ્યો. રિયાન પરાગ સાથે તેની 54 રનની ભાગીદારી એવા સમયે થઈ જ્યારે એવું લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા 100 રનના આંકડાને પણ સ્પર્શી શકશે નહીં. એક તરફ ગિલે 37 બોલમાં 39 રન બનાવ્યા તો બીજી તરફ રિયાન પરાગે 18 બોલમાં 26 રનની ઈનિંગમાં 1 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.