કોલંબોઃ ભારત અને શ્રીલંકા વચ્ચે મંગળવારે બીજી વનડે મેચ પ્રેમદાસા સ્ટેડિયમાં રમાઈ હતી. રોમાંચક મુકાબલામાં ભારતે શ્રીલંકાને 3 વિકેટથી હરાવીને ત્રણ મેચની સીરીઝમાં 2-0થી લીડ મેળવી હતી. શુક્રવારે ત્રીજી અને અંતિમ વન ડે રમાશે અને ભારતની નજર વ્હાઇટ વોશ પર રહેશે.
ભારતની અંતિમ વન ડેમાં બે ફેરફાર કરી શકે છે અને બે નવોદીત ખેલાડીને તક આપી શકે છે. ટીમ ઈન્ડિયામાં ઈશાન કિશનના સ્થાને સંજુ સેમસન તથા યુઝવેંદ્ર ચહલના સ્થાને રાહુલ ચહરનો સમાવેશ થઈ શકે છે. ફાસ્ટ બોલિંગમાં કોઈ ફેરફાર થાય તેમ લાગતું નથી. તેને જોતા ગુજરાતી ડાબોડી ફાસ્ટ બોલર ચેતન સાકરિયાએ આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ માટે રાહ જોવી પડી શકે છે.
સંભવિત પ્લેઈંગ ઈલેવન
શિખર ધવન, પૃથ્વી શો, સંજુ સેમસન, મનીષ પાંડે, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ
બીજી વન ડેમાં ચહર-ભુવનેશ્વરની જોડીએ શ્રીલંકાને જીતથી રાખ્યું વંચિત
બીજી વન ડેમાં દીપક ચહરે ભારતને હારેલી મેચમાં જીત અપાવી હતી. ભારતે એક સમયે 193 રનમાં સાત વિકેટ ગુમાવી દિધી હતી. બાદમાં ચહર અને ભુવનેશ્વર કુમારે મોર્ચો સંભાળ્યો હતો. ચહર 82 બોલમાં 69 રન બનાવી નોટઆઉટ રહ્યો છે. ભુવનેશ્વર કુમાર 28 બોલમાં 19 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. બંને વચ્ચે આઠમી વિકેટની 84 રનની પાર્ટનરશીપ થઈ હતી.
આ મેચમાં શ્રીંલકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. શ્રીલંકાએ 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 275 રન બનાવ્યા હતા. અસલંકાએ શ્રીલંકા તરફથી સર્વાધિક 65 રન બનાવ્યા હતા. ફર્નાન્ડોએ 50 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી ચહલ-ભુવનેશ્વર કુમારે 3 વિકેટ લીધી હતી.
ભારતે શ્રીલંકા સામે સળંગ 9મી દ્વિપક્ષીય સીરીઝ જીતી
ધવનની કેપ્ટન્સી હેઠળની ભારતની યુવા ટીમ શ્રીલંકા સામેની બીજી વન ડે જીતવાની સાથે સળંગ 9મી દ્વિપક્ષીય સીરીઝ જીતી હતી. ભારતીય ટીમ વિન્ડિઝ સામે સળંગ ૧૦ દ્વિપક્ષિય શ્રેણી જીતવાનો રેકોર્ડ ધરાવે છે. એક દેશ સામે સૌથી વધુ ૧૧ વન ડે શ્રેણી જીતવાનો રેકોર્ડ પાકિસ્તાનના નામે છે, જે તેમણે ઝિમ્બાબ્વે સામે રમી-રમીને નોંધાવ્યો છે. શ્રીલંકાની ટીમ છેલ્લે ઓગસ્ટ, ૧૯૯૭માં ભારત સામેની ૪ વન ડેની દ્વિપક્ષિય શ્રેણી ૩-૦થી જીત્યું હતુ. જે પછી બંને દેશો વચ્ચે રમાયેલી ૧૧માંથી એક પણ વન ડે શ્રેણી શ્રીલંકા જીતી શક્યું નથી. ૧૧માંથી ૯ શ્રેણી ભારતના નામે રહી છે, જ્યારે બે શ્રેણી ડ્રો થઈ છે. ભારતની શ્રીલંકા સામેની વન ડે શ્રેણીની વિજયકૂચ ૨૦૦૭માં શરૂ થઈ હતી, જે હજુ આગળ વધી રહી છે.