India vs West Indies Test Series: આજથી ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમ આજે જ્યારે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ રમશે ત્યારે ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં સચિન તેંદુલકરના એક ખાસ લિસ્ટમાં સામેલ થઇ જશે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ 12 જુલાઈથી ડૉમિનિકાના વિન્ડસર પાર્કમાં રમાશે. વિન્ડીઝ ટેસ્ટ ટીમમાં તેગનારાયણ ચંદ્રપોલ પણ સામેલ છે, જે અનુભવી ખેલાડી શિવનારાયણ ચંદ્રપોલના દીકરો છે.
વિરાટ કોહલીએ જ્યારે 12 વર્ષ પહેલા વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું ત્યારે તે શિવનારાયણ ચંદ્રપોલ સામે રમ્યો હતો. જેનો રેકોર્ડ આ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા સામે હંમેશા શાનદાર રહ્યો છે. હવે જ્યારે કોહલી ફરીથી વેસ્ટ ઈન્ડિઝ સામે રમવા મેદાનમાં ઉતરશે ત્યારે શિવનારાયણનો દીકરો તેગનારાયણ તેની સામે હશે.
પિતા બાદ દીકરા સામે પણ રમી રહેલો વિરાટ કોહલી એક ખાસ ક્લબમાં જોડાશે, જેમાં અત્યાર સુધી માત્ર સચીન તેંદુલકરનો જ સમાવેશ થતો હતો. સચીન જ એક એવો છે જેને પોતાની કારકિર્દીમાં આવી પિતા-પુત્રની જોડીનો સામનો કર્યો છે. વર્ષ 1992માં સચીન ઓસ્ટ્રેલિયાના ખેલાડી જ્યોફ માર્શ સામે રમ્યો હતો. આ પછી વર્ષ 2011-12માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર સચીને જ્યોફ માર્શના દીકરો શૉન માર્શનો સામનો કર્યો હતો.
અત્યાર સુધી ટેસ્ટ ફોર્મેટમાં તેગનારાયણનું દેખાયુ છે શાનદાર ફોર્મ -
વેસ્ટ ઈન્ડિઝ ટીમના યુવા ઓપનિંગ બેટ્સમેન તેગનારાયણ ચંદ્રપોલના અત્યાર સુધીના પ્રદર્શનની વાત કરીએ તો તે ખૂબ જ પ્રભાવશાળી રહ્યું છે. તેગનારાયણે 6 મેચની 11 ઇનિંગ્સમાં 45.30ની એવરેજથી કુલ 453 રન બનાવ્યા છે. આ દરમિયાન તેગનારાયણે 1 સદી અને 1 અડધી સદીની ઇનિંગ્સ રમી છે. 27 વર્ષીય ડાબોડી બેટ્સમેન તેગનારાયણ ટેસ્ટ ફોર્મેટમાં સૌથી વધુ 207 રનનો વ્યક્તિગત સ્કૉર ધરાવે છે.
રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરી શકે છે
યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલ વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી શકે છે. યશસ્વી જયસ્વાલે પ્રેક્ટિસ મેચમાં ઓપનર તરીકે સારું પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં પ્રથમ ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલનું ઓપનિંગ કરવાનું નિશ્ચિત માનવામાં આવે છે.
વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન - રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, ઈશાન કિશન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિ અશ્વિન, શાર્દુલ ઠાકુર, મુકેશ કુમાર અને મોહમ્મદ સિરાજ.