મેલબોર્નઃ T20 વર્લ્ડ કપ 2022માં સુપર-12 તબક્કાની છેલ્લી મેચ ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાવાની છે. ટીમ ઈન્ડિયા વર્તમાન ટૂર્નામેન્ટમાં બીજી વખત મેલબોર્નમાં રમશે. આ પહેલા ભારતીય ટીમે 23 ઓક્ટોબરે આ જ મેદાન પર રમાયેલી મેચમાં પાકિસ્તાનને ચાર વિકેટથી હરાવ્યું હતું. હવે ટીમ ઇન્ડિયા પાસે ઝિમ્બાબ્વેને હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવવાની તક છે.


મેલબોર્નમાં આજની મેચમાં વરસાદની શક્યતા ફક્ત પાંચ ટકા છે તેથી મેચ ધોવાઈ જવાની શક્યતા ઘણી ઓછી છે. તેમ છતાં જો આ મેચ વરસાદના કારણે ધોવાઇ જાય તો પણ ભારત આગળના રાઉન્ડમાં પહોંચશે. જ્યાં સુધી ઝિમ્બાબ્વે ટીમનો સવાલ છે તેઓ જીત સાથે તેમના અભિયાનનો અંત લાવવાનો પ્રયાસ કરશે. નેધરલેન્ડ સામેની હાર બાદ ઝિમ્બાબ્વેનો ઉત્સાહ પહેલેથી નબળો છે .  ઉલ્લેખનીય છે કે ઝિમ્બાબ્વેએ પર્થ સ્ટેડિયમમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.


ભારતીય ટીમ માટે ચિંતાનું કારણ દિનેશ કાર્તિક અને ભારતીય કેપ્ટન રોહિત શર્માનું ફોર્મ છે. દિનેશ કાર્તિક ત્રણ ઇનિંગ્સમાં 1, 6 અને 7 રન બનાવવામાં સફળ રહ્યો છે. નેધરલેન્ડ સામે અડધી સદી ફટકારવા સિવાય રોહિત શર્મા બાકીની ત્રણ મેચમાં કંઈ ખાસ કરી શક્યો નથી. હવે ઝિમ્બાબ્વે સામે રોહિત પાસે મોટી ઇનિંગની આશા રાખશે.


રિષભ પંતને મળશે તક?


ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન પર પણ નજર રહેશે. ઋષભ પંત, યુઝવેન્દ્ર ચહલ જેવા ખેલાડીઓને તક મળે છે કે નહીં તે જોવાનું રહેશે. રિષભ પંત વાપસી માટે સખત મહેનત કરી રહ્યો છે. બાંગ્લાદેશ સામે પણ તે રમશે નહી તેવી અટકળો હતી પરંતુ દિનેશ કાર્તિક મેચ રમવા માટે ફિટ હતો. હવે મહત્વની મેચ હોવાથી ભારતીય ટીમ મેનેજમેન્ટ ભાગ્યે જ પ્લેઇંગ-11માં ફેરફાર કરે છે.


બંને ટીમોના સંભવિત પ્લેઈંગ-11


ભારત


કેએલ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભૂવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ.


ઝિમ્બાબ્વે


વેસ્લે મધેવેરે, ક્રેગ ઇર્વિન, રેજિસ ચકાબ્વા, સીન વિલિયમ્સ, સિકંદર રઝા, મિલ્ટન શુમ્બા, રેયાન બર્લ, લ્યૂક જોંગવે, તેંદઇ ચતરા, રિચર્ડ નગારવા, બ્લેસિંગ મુજરબાની