Jay Shah on Day-Night Pink-Ball Tests: જ્યારે ડે-નાઈટ એટલે કે ગુલાબી બોલની ટેસ્ટ શરૂ થઈ ત્યારે દેશ અને દુનિયામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારતે તેની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ ખાતે રમી હતી. આ મેચે ભારતીય ક્રિકેટ ચાહકોમાં ગુલાબી બોલની ડે-નાઈટ ટેસ્ટ મેચો વિશે પણ ઉત્સાહ જગાવ્યો હતો, પરંતુ ત્યારથી ભારતમાં માત્ર ત્રણ દિવસ-રાત્રિ ટેસ્ટ રમાઈ છે અને BCCIએ તેમાં બહુ રસ દાખવ્યો નથી.
સમગ્ર વિશ્વમાં ડે-નાઈટ ટેસ્ટ મેચોને લઈને ઘણી ઉત્તેજના છે, પરંતુ ભારતમાં છેલ્લા બે વર્ષથી આવી કોઈ મેચ રમાઈ નથી. તેમ છતાં, ભારતીય ટીમ આ વર્ષના અંતમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પિંક-બોલ ટેસ્ટ રમવાની તૈયારી કરી રહી છે. 2019 પછી ભારત આ ટુર્નામેંટ રમ્યું નથી પરંતુ આ વર્ષે ભારત આ ટુર્નામેંટ રમવા માટે તૈયારી કરી રહ્યું છે.
જય શાહે આ પાછળનું કારણ જણાવ્યું
BCCI સેક્રેટરી જય શાહે આ અંગે ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. શાહે કહ્યું કે ભારતમાં રમાતી મોટાભાગની ડે-નાઈટ ટેસ્ટ મેચો 2-3 દિવસમાં સમાપ્ત થઈ જાય છે, જે પાંચ દિવસીય ટેસ્ટનો રોમાંચ અને સ્પર્ધા ઘટાડે છે. આ જ કારણ છે કે BCCI આવી મેચોને વધારે મહત્વ નથી આપતું.
જય શાહે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને કહ્યું, "તમે પાંચ દિવસની મેચ જોવા માટે ટિકિટ ખરીદો છો, પરંતુ મેચ 2-3 દિવસમાં સમાપ્ત થઈ જાય છે... અને ટિકિટ પર કોઈ રિફંડ નથી. હું તેના વિશે થોડો લાગણીશીલ છું."
ગુલાબી બોલ ટેસ્ટમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન
ભારતની પ્રથમ ગુલાબી-બોલ ટેસ્ટ મેચ ત્રણ દિવસમાં સમાપ્ત થઈ ગઈ હતી, જેમાં તેણે બાંગ્લાદેશને એક દાવ અને 46 રનથી હરાવ્યું હતું. લગભગ એક વર્ષ પછી, ભારતે ઈંગ્લેન્ડ સામે બીજી ડે-નાઈટ ટેસ્ટ મેચ યોજી હતી, જે માત્ર બે દિવસમાં પૂરી થઈ ગઈ હતી, જેણે વિશ્વભરમાં ચકચાર મચાવી હતી. મેચમાં અસામાન્ય રીતે ઓછો સ્કોર જોવા મળ્યો હતો, જેમાં ભારતનો પ્રથમ દાવનો સ્કોર 145 રન હતો અને ભારતે ઈંગ્લેન્ડને 10 વિકેટથી હરાવ્યું હતું.