નવી દિલ્હીઃ ભારતે ઓસ્ટ્રેલિયાને બોર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં 2-1થી માત આપ્યા બાદ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ફરી એકવાર પહેલા નંબર પર આવી ગયુ છે. આ જીતની સાથે જ ભારતની આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં રમવાની સંભાવના વધી ગઇ છે.


ભારત હવે 71.7 ટકા પૉઇન્ટ છે, અને તે 430 પૉઇન્ટની સાથે તે પહેલા નંબર પર છે. બીજા નંબર પર ન્યૂઝીલેન્ડ છે, જેના 70 ટકા પૉઇન્ટ અને 420 પૉઇન્ટ છે. ઓસ્ટ્રેલિયા 69.2 ટકા પૉઇન્ટ અને 332 પૉઇન્ટની સાથે ત્રીજા નંબર પર છે.

આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પૉઇન્ટ ટેબલમાં ટૉપની બે ટીમો આ વર્ષે જૂનમાં લૉર્ડ્સમાં ફાઇનલ રમશે. ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે મંગળવારે સમાપ્ત થયેલી ચોથી ટેસ્ટ બાદ આઇસીસીએ ટ્વીટ કર્યુ- ભારત ટૉપ પર છે, ગાબામાં મળેલી શાનદાર જીત બાદ ભારત આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ રેન્કિંગમાં પહેલા સ્થાન પર આવી ગયુ છે. ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાન પર ગબડી પડ્યુ છે.

ભારતનું ફાઇનલમાં રમવુ લગભગ નક્કી
ભારતને હવે પાંચમી ફેબ્રુઆરીથી ઇંગ્લેન્ડની સાથે પોતાના ઘરમાં ચાર મેચોની ટેસ્ટ સીરીઝ રમવાની છે. ભારતીય ટીમ જો ઇંગ્લેન્ડ વિરુદ્ધ 2-0થી જીત હાંસલ કરે છે તો તે જૂનમાં લૉર્ડ્સમાં રમાનારી ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પોતાની જગ્યા પાક્કી કરી લેશે. ભારતીય ટીમ જો ઇંગ્લેન્ડ વિરુદ્ધ એક ટેસ્ટ હારી જાય છે, તો તેને બાકી બચેલી ત્રણ મેચ જીતવી પડશે.