INDW vs SAW: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાને 4 રને હરાવ્યું છે. આ સાથે ભારતે 3 મેચની વનડે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા સ્કોરબોર્ડ પર 325 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ શ્રેણીમાં સતત બીજી મેચમાં સદી ફટકારી હતી, જેણે 120 બોલમાં 136 રનની શાનદાર ઇનિંગ રમી હતી. બીજી તરફ હરમનપ્રીત કૌરે પણ 88 બોલમાં 103 રન ફટકારીને પોતાની ODI કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી હતી. જ્યારે સાઉથ આફ્રિકા ટાર્ગેટનો પીછો કરવા ઉતરી ત્યારે ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. પરંતુ કેપ્ટન લૌરા વૂલવર્થ અને મેરિજેન કેપની 184 રનની ભાગીદારીએ ભારતીય છાવણીના હૃદયના ધબકારા વધારી દીધા હતા. પરંતુ છેલ્લી 5 ઓવરમાં ભારતની સારી બોલિંગ ટીમને જીત તરફ લઈ ગઈ હતી.


 






દક્ષિણ આફ્રિકાની ટીમને 326 રનનો વિશાળ લક્ષ્યાંક મળ્યો હતો, જેનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાએ 14ના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. અરુંધતિ રોયે પહેલો ઝટકો આપ્યો અને તેના થોડા સમય બાદ દીપ્તિ શર્માએ આફ્રિકાની ટીમને બીજો ઝટકો આપ્યો. દક્ષિણ આફ્રિકાએ 54 રનના સ્કોર પર 2 વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન, મેચની સદી કરનાર સ્મૃતિ મંધાનાએ પણ બોલિંગ કરી, જેણે તેના બીજા બોલ પર તેની કારકિર્દીની પ્રથમ વિકેટ લીધી. ટીમે 67 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ અહીંથી કેપ્ટન લૌરા વૂલવર્થ અને મેરિઝાન કેપ વચ્ચે 181 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. 43મી ઓવરમાં, કેપ 94 બોલમાં 114 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી, તેણે તેની ઈનિંગમાં 11 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. દક્ષિણ આફ્રિકાને છેલ્લી 5 ઓવરમાં જીતવા માટે 54 રનની જરૂર હતી. આગલી 3 ઓવરમાં 31 રન બનાવ્યા હતા, જેના કારણે ભારત હારની નજીક જતું દેખાતું હતું. સ્થિતિ એવી હતી કે આફ્રિકાને જીતવા માટે છેલ્લી 2 ઓવરમાં 23 રન અને છેલ્લી ઓવરમાં 11 રન કરવાના હતા. પરંતુ છેલ્લી ઓવરમાં 2 વિકેટ પડતાં સમગ્ર મેચમાં પલટો આવ્યો અને ભારતે 4 રનથી રોમાંચક વિજય નોંધાવ્યો.


 






મેચ છેલ્લી ઓવરમાં બાજી પલટાઈ


પૂજા વસ્ત્રાકરને છેલ્લી ઓવરમાં 11 રન બચાવવાના હતા. પહેલા 2 બોલમાં 5 રન આવ્યા હતા. પરંતુ પૂજાએ આગામી 2 બોલમાં 2 વિકેટ લઈને સમગ્ર મેચનો મિજાજ બદલી નાખ્યો. કેપ્ટન લૌરા વૂલવર્થ માટે પ્રથમ બોલ પર સિંગલ લેવો ખૂબ મોંઘો હતો કારણ કે તેણે છેલ્લા બોલ પર ફરીથી સ્ટ્રાઇક મેળવી હતી, જ્યારે ટીમને એક બોલમાં 5 રન બનાવવાના હતા. છેલ્લો બોલ ખાલી રહ્યો, જેના કારણે ભારતીય ટીમ મેચ જીતવામાં સફળ રહી.