IND W vs SL W: ભારતે પાંચમી ટી-20 મેચમાં શ્રીલંકાને 15 રનથી હરાવ્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની ટી-20 સીરિઝ 5-0 થી જીતી લીધી. પાંચમી ટી-20 તિરુવનંતપુરમમાં રમાઈ હતી, જ્યાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 175 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત કૌરે 68 રનની અડધી સદી ફટકારી હતી. ભારતે જીત સાથે 2025ના વર્ષને વિદાય આપી હતી.
176 રનના લક્ષ્યાંકનો પીછો કરતી શ્રીલંકાની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. કેપ્ટન ચમારી અટાપટ્ટુ માત્ર 2 રન કરીને આઉટ થઈ ગયા હતા. ત્યારબાદ હસિની પરેરા અને ઈમેશા દુલાનીએ ભારતીય બોલરોને મુશ્કેલીમાં મુક્યા હતા કારણ કે તેમણે બીજી વિકેટ માટે 79 રનની ભાગીદારી કરી હતી. પરેરા અને દુલાનીએ અનુક્રમે 65 અને 50 રન બનાવ્યા હતા.
એક સમયે શ્રીલંકાએ 2 વિકેટ ગુમાવીને 100 રન બનાવ્યા હતા પરંતુ બાદમાં તેણે ઝડપથી વિકેટો ગુમાવી હતી. શ્રીલંકાએ માત્ર 25 બોલમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી.
ભારતે 5-0થી જીતી સીરિઝ
ભારતે પાંચ મેચની ટી-20 શ્રેણી 5-0 થી જીતીને શ્રીલંકાને વ્હાઇટવોશ કર્યો છે. ભારતીય ટીમે 21 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી રમાયેલી શ્રેણીમાં તમામ પાંચ મેચ જીતી હતી. ભારતીય ટીમ હવે મહિલા ટી-20 ક્રિકેટ ઇતિહાસમાં એક ટીમ સામે સૌથી વધુ જીતનો રેકોર્ડ ધરાવે છે. શ્રીલંકા પર આ ભારતનો 25મો ટી-20 વિજય હતો. ઓસ્ટ્રેલિયા એક ટીમ સામે સૌથી વધુ ટી-20 મેચ જીતવાનો રેકોર્ડ ધરાવે છે, તેણે 33 વખત ન્યૂઝીલેન્ડને હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયાએ પણ 26 વખત ભારતને હરાવ્યું છે.
આ મેચમાં સ્મૃતિ મંધાના રમી રહી ન હતી. તેના સ્થાને જી. કમલિનીને ડેબ્યૂ કરવાની તક મળી હતી. પરંતુ ભારતની શરૂઆત સારી રહી ન હતી. શેફાલી વર્મા બીજી ઓવરમાં માત્ર 5 રન બનાવીને આઉટ થઈ ગઈ. ત્યારબાદ ડેબ્યૂ કરનાર કમલિનીએ ઇનિંગ્સને સ્થિર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પાંચમી ઓવરમાં તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી. કમલિનીએ 12 રન બનાવ્યા. આ પછી ભારતની વિકેટ પડતી રહી. પરંતુ હરમનપ્રીતે શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેણે મુશ્કેલ સમયમાં ધીરજ બતાવી અને બાદમાં વિસ્ફોટક બેટિંગ કરી હતી. હરમનપ્રીતે 43 બોલમાં 68 રન બનાવ્યા હતા જેમાં 9 ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ અરુંધતી રેડ્ડીએ 11 બોલમાં 27 રન બનાવ્યા હતા. આ ઇનિંગ્સના આધારે ભારતે શ્રીલંકા માટે 176 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો.