Asian Games: એશિયન ગેમ્સમાં ભારતમાંથી કુલ 655 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, જે દેશની અત્યાર સુધીની સૌથી મોટી ટુકડી છે. ભારતીય ખેલાડીઓ કુલ 40 ઈવેન્ટમાં પડકાર આપશે. ભારતને 19મી એશિયન ગેમ્સમાં શૂટિંગમાં પહેલો મેડલ મળ્યો છે. જે મેહુલી ઘોષ, આશી ચૌકસે અને રમિતાએ મહિલાઓની 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં ભારત માટે આ મેડલ જીત્યો હતો.
ત્યારબાદ રોઇંગમાં પણ ભારતે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પણ ફાઈનલમાં પહોંચી ગઈ છે. બાદમાં રમિતા જિંદાલે મહિલાઓની 10 મીટર એર રાઈફલમાં ભારત માટે બ્રોન્ઝ જીત્યો હતો.
ભારતે પહેલા દિવસે 5 મેડલ જીત્યા હતા
એશિયન ગેમ્સના પહેલા દિવસે ભારતે 5 મેડલ જીત્યા છે. આ સાથે જ પ્રથમ દિવસની તમામ ઈવેન્ટ્સ પણ સમાપ્ત થઈ ગઈ છે. હવે બીજા દિવસે (25 સપ્ટેમ્બર) ભારતીય ખેલાડીઓ પોતાના દેશના મેડલની સંખ્યા વધારવા મેદાનમાં ઉતરશે.
ભારતના અત્યાર સુધી 5 મેડલ
મેહુલી ઘોષ, આશી ચોકસે અને રમિતા જિંદાલ, 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટિંગ): સિલ્વર
અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહ, પુરુષોની લાઇટવેઇટ ડબલ સ્કલ્સ (રોઇંગ): સિલ્વર
બાબુ લાલ અને લેખ રામ, મેન્સ કોક્સલેસ ડબલ્સ - (રોઇંગ): બ્રોન્ઝ
મેન્સ કોક્સેડ 8 ટીમ - (રોઇંગ): સિલ્વર
રમિતા જિંદલ - મહિલા 10 મીટર એર રાઈફલ (શૂટિંગ): બ્રોન્ઝ
ભારતીય મહિલા ફુટબોલ ટીમ એશિયન ગેમ્સમાંથી બહાર
એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ફૂટબોલ ટીમને નિરાશાનો સામનો કરવો પડ્યો છે. રવિવારે થાઈલેન્ડ સામે રમાયેલી મેચમાં મહિલા ભારતીય ટીમને 0-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ટીમ ઈન્ડિયા ઈવેન્ટના નોકઆઉટ સ્ટેજ સુધી પહોંચી શકી નથી. આ હાર બાદ ટીમ ઈન્ડિયાની ગ્રુપમાં ટોપ પર રહેવાની તક સમાપ્ત થઈ ગઈ છે. આ મેચમાં થાઈલેન્ડની થોંગ્રોંગ પરિચાટે ગોલ કરીને પોતાની ટીમને ભારત સામે વિજેતા બનાવી હતી.
આ પહેલા ઓપનિંગ મેચમાં ભારતીય મહિલા ફૂટબોલ ટીમને ચાઈનીઝ તાઈપેએ 2-1થી પરાજય આપ્યો હતો. જો આજની મેચની વાત કરીએ તો ભારત તરફથી સારી શરૂઆત જોવા મળી હતી. મેચ શરૂ થયાના થોડા સમય બાદ એટલે કે 11મી મિનિટે ભારતની અંજુ તમંગે ટીમ માટે તક ઊભી કરી, પરંતુ તે સફળ થઈ શકી નહીં. ત્યાર બાદ માત્ર 5 મિનિટ બાદ ભારતને બે તક મળી હતી, પરંતુ આ વખતે પણ ટીમને નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે ડાંગમેઈ અને બાલા દેવીએ ભારત માટે તક ઊભી કરવાનો પ્રયાસ કર્યો.
ત્યારપછી થાઈલેન્ડ માટે ચેથાબુત્ર કાનયાનાત પોતાની ટીમ માટે તક ઉભી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગોલકીપર શ્રેયા હુડા અને આશાલતા દેવીએ તેની તકને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવી દીધી. પ્રથમ હાફ પછી બંને ટીમોનો સ્કોર 0-0 રહ્યો હતો. પરંતુ બીજા હાફમાં થાઈલેન્ડે સરસાઈ મેળવી લીધી, જેના કારણે ભારતીય ટીમ આગળ વધી શકી નહીં. થાઈલેન્ડ માટે થોંગ્રોંગ પરિચાટે 52મી મિનિટે ગોલ કર્યો, જેણે ટીમને મેચમાં જીત અપાવી. થાઈલેન્ડના પ્રથમ અને એકમાત્ર ગોલ બાદ ભારત તરફથી ઘણા પ્રયાસો જોવા મળ્યા હતા. મનીષાએ ભારત માટે બે વખત પ્રયાસ કર્યો પરંતુ વિરોધી ટીમના ગોલકીપરે તેના પ્રયાસોને સફળ થવા દીધા નહીં. આ રીતે થાઈલેન્ડે મેચમાં ભારતને 1-0થી હરાવીને એશિયન ગેમ્સમાંથી બહાર કરી દીધું.