ટીમ ઈન્ડિયાએ ટી-20 સિરીઝની ત્રીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 17 રનથી હરાવી સિરીઝ 3-0થી પોતાના નામે કરી લીધી છે. ODI બાદ હવે ભારતે T20 શ્રેણીમાં પણ ક્લીન સ્વીપ કરી લીધું છે. ટીમ માટે સૂર્યકુમાર યાદવે તોફાની અડધી સદી ફટકારી હતી. જ્યારે વેંકટેશ અય્યરે ઓલરાઉન્ડ પ્રદર્શન કરીને ટીમને જીત અપાવી હતી. કોલકાતામાં વેસ્ટ ઈન્ડિઝ માટે રમાયેલી આ મેચમાં નિકોલસ પૂરને 61 રનની સારી ઇનિંગ રમી હતી.

Continues below advertisement



ભારતે આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 167 રન જ બનાવી શકી હતી. ટીમ માટે નિકોલસ પૂરને સારી ઇનિંગ રમી હતી. તેણે 47 બોલમાં 61 રન બનાવ્યા હતા. તેણે આ ઇનિંગમાં 8 ચોગ્ગા અને એક છગ્ગા પણ ફટકાર્યા હતા. જ્યારે રોવમેન પોવેલે 14 બોલમાં 25 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં બે ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે.


કેપ્ટન કિરોન પોલાર્ડ માત્ર 5 રન બનાવીને આઉટ થયો હતો. આ સાથે જ જેસન હોલ્ડર 2 રન બનાવીને આઉટ થયો હતો. આ બંને ખેલાડીઓને વેંકટેશ અય્યરે આઉટ કર્યા હતા. રોસ્ટન ચેઝ 12 અને ઓપનર શાઈ હોપ 8 રનના અંગત સ્કોર પર આઉટ થયા હતા. મેયર્સ પણ માત્ર 6 રન બનાવી શક્યો હતો.


ટીમ ઈન્ડિયા તરફથી શાનદાર બોલિંગ કરતા દીપક ચહરે 2 વિકેટ ઝડપી હતી. તેણે 1.5 ઓવરમાં 15 રન આપ્યા. આ દરમિયાન તે ઈજાગ્રસ્ત થઈ ગયો અને મેદાન છોડવું પડ્યું. વેંકટેશ અય્યરે 2.1 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ લીધી હતી. ડેબ્યૂ મેચ રમનાર અવેશ ખાનને એક પણ વિકેટ મળી ન હતી. જ્યારે હર્ષલ પટેલે 3 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 22 રન આપ્યા. શાર્દુલ ઠાકુરે 4 ઓવરમાં 33 રન આપીને 2 વિકેટ લીધી હતી.


ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા હતા. આ દરમિયાન સૂર્યકુમાર યાદવે તોફાની ઇનિંગ રમી હતી. તેણે 31 બોલમાં 65 રન બનાવ્યા હતા. જ્યારે વેંકટેશ અય્યરે 19 બોલમાં અણનમ 35 રન બનાવ્યા હતા. વેંકટેશે આ ઇનિંગમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા પણ ફટકાર્યા હતા. ઓપનર ઈશાન કિશને 34 અને શ્રેયસ અય્યરે 25 રનનું યોગદાન આપ્યું હતું.