Indian Cricket Team, Asia Cup 2023: ક્રિકેટના ફેન્સ માટે એક પછી એક રોમાંચના ડબલ ડૉઝ મળવા જઇ રહ્યા છે, પહેલા એશિયા કપ અને બાદમાં વર્લ્ડકપ 2023ની શરૂઆત થઇ રહી છે, લાંબી રાહ જોયા બાદ એશિયા કપ 2023નું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચીફ જય શાહે ગયા બુધવારે (19 જુલાઈ) ટૂર્નામેન્ટનના શિડ્યૂલની જાહેરાત કરી હતી. આ ટુર્નામેન્ટ 30 ઓગસ્ટથી શરૂ થશે. ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમશે. જો ભારત ફાઇનલમાં પહોંચે છે તો ટીમે 15 દિવસના ગાળામાં 6 વનડે રમવી પડશે, જે ભારતીય ટીમ આસાન નહીં રહે. ભારતીય ટીમના આગામી શિડ્યૂલની ટ્વીટ ખુદ જય શાહે કર્યુ છે, અને આ ટ્વીટ બાદ ભારતીય ટીમનું ટેન્શન વધી ગયું છે.


વર્લ્ડકપ પહેલા ખેલાડીની ઈજા પણ ટીમ ઈન્ડિયા માટે ભારે બોજ બની શકે છે, જેના કારણે વર્લ્ડકપ હારવાનું જોખમ વધી જશે. ભારતીય ટીમ ગૃપ સ્ટેજમાં પાકિસ્તાન અને નેપાળ સામે બે મેચ રમશે. ગૃપ સ્ટેજમાં ક્વૉલિફાય થયા બાદ ભારત કોઈપણ નંબર પર રહી શકે છે, પરંતુ તેને A-2 જ કહેવામાં આવશે. જો ટીમ ઈન્ડિયા ગૃપ સ્ટેજ બાદ સુપર-4 માટે ક્વૉલિફાય થાય છે તો ટીમને સુપર-4માં કુલ 3 મેચ રમવાની રહેશે.




આ પછી જો ટીમ ઈન્ડિયા કોઈ રીતે સુપર-4માં ફાઈનલની ટિકિટ મેળવવામાં સફળ થાય છે તો 15 સપ્ટેમ્બરે ભારતીય ટીમ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ રમશે. આ રીતે ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાં ફાઈનલ સહિત 6 વનડે રમી શકે છે.


પહેલાથી જ ઇજા સામે ઝઝૂમી રહ્યાં છે ખેલાડીઓ - 
હાલમાં ભારતીય ટીમના કેટલાય ખેલાડીઓ ઈજાઓથી ઝઝૂમી રહ્યા છે. આમાં ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ, વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ અને મીડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યરનું નામ સામેલ છે. જોકે ત્રણેય ખેલાડીઓએ નેટ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બુમરાહ અને અય્યર એશિયા કપ પહેલા આયર્લેન્ડ સામેની ટી-20 સીરીઝમાં વાપસી કરી શકે છે. આવામાં બંને ખેલાડીઓ એશિયા કપનો ભાગ પણ બની શકે છે.