ભારતીય ટેસ્ટ ટીમના નવા કેપ્ટન શુભમન ગિલના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા ગુરુવાર-શુક્રવાર રાત્રે ઈંગ્લેન્ડ જવા રવાના થઈ હતી. શુક્રવારે સવારે લગભગ 2.40 વાગ્યે મુંબઈ એરપોર્ટ પહોંચેલા તમામ ખેલાડીઓ અને ટીમ સ્ટાફ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરીને ઈંગ્લેન્ડ જવા રવાના થઈ ગયા હતા. એરપોર્ટ પર પહોંચેલા ખેલાડીઓના ચહેરા પર આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો હતો. બોલર બુમરાહ-સિરાજ-કુલદીપ મસ્તી કરતા જોવા મળ્યા હતા.

આ વખતે શુભમન ગિલ મુંબઈથી ઈંગ્લેન્ડ જતી ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. આ વખતે કરુણ નાયરનો પણ ટીમ ઈન્ડિયામાં સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડમાં રમવા ગઈ છે તે ટેસ્ટ મેચ શ્રેણી 2025-27 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્રનો ભાગ છે.

પહેલી મેચ 20 જૂનથી લીડ્સમાં રમાશે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની શ્રેણીની પહેલી ટેસ્ટ 20 જૂનથી લીડ્સમાં રમાશે. આ શ્રેણી સાથે ભારતનું નવું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્ર (2025-27) પણ શરૂ થશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સ્ટાર ખેલાડીઓએ ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધા બાદ મે મહિનામાં શુભમન ગિલને નવા ટેસ્ટ કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ગિલ ભારતનો 37મો ટેસ્ટ કેપ્ટન હશે. વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત ટેસ્ટમાં નવો વાઇસ કેપ્ટન છે. આ ઉપરાંત કરુણ નાયર આઠ વર્ષ પછી ભારતીય ટીમમાં પાછો ફર્યો છે. શાર્દુલ ઠાકુર પણ ભારતીય ટીમમાં વાપસી કરી રહ્યો છે. BCCI એ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર મોડી રાત્રે રવાના થતા ખેલાડીઓની ઘણી તસવીરો શેર કરી હતી. આમાં, ખેલાડીઓ ઉપરાંત કોચ પણ આત્મવિશ્વાસથી ભરેલા જોવા મળ્યા હતા.

ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા કેપ્ટન ગિલ અને કોચ ગૌતમ ગંભીરે મીડિયાને શું કહ્યું?

પાંચ મેચની શ્રેણી માટે ઇંગ્લેન્ડ રવાના થતા પહેલા એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેપ્ટન શુભમન ગિલે કહ્યું હતું કે, 'મને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ એક મોટી જવાબદારી છે. હું તેના માટે તૈયાર છું.' તેમણે કહ્યું કે ટીમ મેનેજમેન્ટ બેટિંગ ઓર્ડરને અંતિમ સ્વરૂપ આપવા અંગે પણ ટૂંક સમયમાં નિર્ણય લેશે. અમારી પાસે હજુ પણ સમય છે. અમારી પાસે અનુભવી બોલરો પણ છે. જસપ્રીત બુમરાહની ફિટનેસ સંબંધિત પ્રશ્ન પર કોચ ગૌતમ ગંભીરે કહ્યું, બુમરાહનું સ્થાન લેવું ખૂબ મુશ્કેલ છે. પરંતુ અમારી પાસે અન્ય બોલરો પણ છે. અમે હજુ સુધી નક્કી કર્યું નથી કે તે કઈ મેચથી રમવાનું શરૂ કરશે.