Indian Cricket Team Playing 11: T20 વર્લ્ડકપ 2024માં ભારતીય ક્રિકેટ ટીમ આજે એટલે કે 15 જૂન શનિવારના રોજ કેનેડા સામે ગ્રુપ સ્ટેજની ચોથી અને છેલ્લી મેચ રમશે. અગાઉ રમાયેલી ત્રણેય મેચ જીતીને ટીમ ઈન્ડિયા સુપર-8 માટે ક્વાલિફાય થઈ ગઈ છે. આવી સ્થિતિમાં કેનેડા સામેની આજની મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11 અને ક્રમમાં ફેરફાર થઈ શકે છે. આજે યશસ્વી જાયસ્વાલને તક મળી શકે છે અને કોહલી ત્રીજા નંબર પર પરત ફરી શકે છે.


રોહિત અને જાયસ્વાલ કરશે ઓપનિંગ 
અત્યાર સુધી રમાયેલી ત્રણેય મેચોમાં વિરાટ કોહલી કેપ્ટન રોહિત શર્માની સાથે ઓપનિંગમાં જોવા મળ્યો છે. પરંતુ, કિંગ કોહલીનું બેટ ઓપનિંગમાં પ્રદર્શન કરી શક્યું ન હતું. ઓપનિંગ કરવા આવેલા વિરાટ કોહલી ત્રણેય મેચમાં ફ્લૉપ રહ્યો હતો. આયરલેન્ડ સામેની પ્રથમ મેચમાં કોહલી 1 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી પાકિસ્તાન સામેની બીજી મેચમાં તે માત્ર 04 રન જ બનાવી શક્યો હતો અને ત્યારબાદ અમેરિકા સામેની ત્રીજી મેચમાં તે ગોલ્ડન ડક પર પેવેલિયન પરત ફર્યો હતો.


આવી સ્થિતિમાં વિરાટ કોહલી કેનેડા સામેની મેચમાં પોતાના જૂના નંબર ત્રણ પર રમતા જોવા મળી શકે છે. ટીમના સ્ટાર ઓપનર યશસ્વી જાયસ્વાલને તક મળી શકે છે. જાયસ્વાલ ઓપનિંગમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા સાથે જોવા મળી શકે છે.


કોની જગ્યાએ મોકો મળી શકે છે જાયસ્વાલને ?
ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના સ્થાને જાયસ્વાલને તક મળી શકે છે. જાડેજા પણ અત્યાર સુધી ફ્લૉપ દેખાયો છે. કેપ્ટન રોહિત શર્માએ પણ જાડેજાનો બોલિંગમાં વધુ ઉપયોગ કર્યો નથી. આવી સ્થિતિમાં જાડેજાને કેનેડા સામેની મેચમાંથી બહાર કરવામાં આવી શકે છે. જાડેજાની જગ્યાએ જયસ્વાલને ટીમમાં એન્ટ્રી મળી શકે છે.


કેનેડા વિરૂદ્ધ આજની ભારતીય ટીમની સંભવિત પ્લેઇંગ-11 
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ.