NEP vs SA T20 World Cup 2024 Upset: દક્ષિણ આફ્રિકાએ નેપાળ સામે હારેલી મેચ જીતી લીધી છે. ટી-20 વર્લ્ડ કપ 2024 ની 31મી મેચ દક્ષિણ આફ્રિકા અને નેપાળ વચ્ચે સેન્ટ વિન્સેન્ટના અર્નોસ વેલે મેદાન પર રમાઈ હતી. મેચમાં આફ્રિકાએ હારી ગયેલી મેચ જીતી લીધી હતી અને નેપાળને 01 રનથી હરાવ્યું હતું. એક સમયે મેચ સંપૂર્ણપણે નેપાળના હાથમાં હતી, જ્યારે તેને છેલ્લી 6 ઓવરમાં માત્ર 30 રનની જરૂર હતી અને ટીમની 7 વિકેટ બાકી હતી. પછી અહીંથી સ્થિતિ બદલાઇ અને આફ્રિકા મેચ જીતી ગયું હતું. આફ્રિકા તરફથી સ્પિનર ​​તબરેઝ શમ્સીએ સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.






આ મેચમાં નેપાળે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે તેમના માટે મોટાભાગે સફળ રહ્યો હતો. નેપાળે શરૂઆતથી જ મેચ પર નિયંત્રણ જાળવી રાખ્યું હતું. ટીમ પ્રથમ બેટિંગ કરવા આવી હતી અને દક્ષિણ આફ્રિકાને 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવી 115 રન સુધી સિમિત રાખી હતી. ત્યારબાદ લક્ષ્યનો પીછો કરતી વખતે ટીમ માત્ર 1 રનથી પાછળ રહી ગઈ હતી. નેપાળે 20 ઓવરમાં 7 વિકેટે 114 રન બનાવ્યા હતા. આ રીતે તેમને 01 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. નેપાળને મેચ જીતવા માટે છેલ્લા બોલ પર 02 રનની જરૂર હતી. ક્રિઝ પર હાજર ગ્લુશન ઝા રન લેવા દોડ્યો હતો, પરંતુ તેને હેનરિક ક્લાસને રનઆઉટ થયો હતો.


શમ્સીએ બાજી પલટી


નેપાળને છેલ્લી ત્રણ ઓવરમાં માત્ર 18 રનની જરૂર હતી. અહીં ઇનિંગની 18મી ઓવર અને પોતાની ચોથી ઓવર લઇને તબરેઝ શમ્સી આવ્યો હતો. તેણે 2 વિકેટ લઈને બાજી પલટી દીધી હતી. શમ્સીએ પહેલા ત્રીજા બોલ પર દીપેન્દ્ર આરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો અને પછી ઓવરના છેલ્લા બોલ પર સેટ બેટ્સમેન આસિફ શેખને બોલ્ડ કર્યો હતો. આસિફના બોલ્ડ થતા જ આફ્રિકાએ મેચ પર પક્કડ બનાવી હતી.  આસિફ 42 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. શમ્સીએ આ ઓવરમાં 2 વિકેટ લીધી હતી અને માત્ર 2 રન આપ્યા હતા.


નેપાળની ઇનિંગ આવી હતી


116 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે નેપાળ સારી શરૂઆત મળી હતી. ઓપનિંગમાં આવેલા કુશલ ભુરટેલ અને આસિફ શેખે 35 રન (44 બોલ)ની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી તબરેઝ શમ્સીએ 8મી ઓવરના બીજા બોલ પર કુશલની વિકેટ લઇને તોડી હતી, જે 21 બોલમાં 1 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 13 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારપછી એ જ ઓવરમાં શમ્સીએ કેપ્ટન રોહિત પૌડેલના રૂપમાં નેપાળને બીજો ઝટકો આપ્યો હતો, જે બીજા બોલ પર ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો.


ત્યારબાદ આસિફ શેખ અને અનિલ શાહે ત્રીજી વિકેટ માટે 50 (36 બોલ)ની શાનદાર ભાગીદારી કરી અને અહીંથી એવું લાગી રહ્યું હતું કે નેપાળ આસાનીથી મેચ જીતી જશે. પરંતુ 14મી ઓવરના ચોથા બોલ પર અનિલ શાહની વિકેટ સાથે ત્રીજી વિકેટની ભાગીદારીનો અંત આવ્યો હતો. અનિલે 24 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 27 રન બનાવ્યા હતા. આ ભાગીદારી તૂટવાને કારણે નેપાળ નબળું પડી ગયું હતું.


આફ્રિકા તરફથી તબરેઝ શમ્સીએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેણે 4 ઓવરમાં માત્ર 19 રન જ આપ્યા હતા. આ સિવાય એનરિક નોર્ખિયા અને કેપ્ટન એડન માર્કરામને 1-1 વિકેટ મળી હતી.