નવી દિલ્હીઃ કોરોનાના કારણે છેલ્લા અઢી મહિનાથી ક્રિકેટને લગતી ગતિવિધિઓ પર રોક લાગી ગઇ છે. વિશ્વના દેશોની સાથે સાથે ભારતમાં પણ ક્રિકેટ રમાતી હાલ પુરતી બંધ થઇ ગઇ હતી. હવે ફરી પાછી ક્રિકેટની ગાડી પાટા પર આવી શકે છે. રિપોર્ટ છે કે ઓગસ્ટ મહિનામાં ભારતીય ક્રિકેટ ટીમ મેદાન પર દેખાશે. જોકે, આ માટે ભારત સરકારના એક ફેંસલાની રાહ જોવાઇ રહી છે.


મીડિયામાં ચાલી રહેલા રિપોર્ટનુ માનીએ તો ભારતીય ટીમ ઓગસ્ટ મહિનામાં શ્રીલંકાનો પ્રવાસ કરશે. શ્રીલંકન મીડિયાએ દાવો કર્યો છે કે બીસીસીઆઇએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડને જાણ કરી છે, જો સરકાર પરવાનગી આપશે તો ભારતીય ટીમ પ્રવાસ કરશે. લૉકડાઉન બાદ ભારતીય ટીમનો આ પહેલો વિદેશી પ્રવાસ હશે.

નોંધનીય છે કે, આ પહેલા શ્રીલંકા ક્રિકેટ બોર્ડે બીસીસીઆઇને અપીલ કરી હતી કે બન્ને દેશોની વચ્ચે વનડે અને ટી20 સીરીઝ આઇસીસીની શિડ્યૂલ પ્રમાણે રમાય. શિડ્યૂલ પ્રમાણે આ પ્રવાસ જૂનમાં થવાનો હતો. આ દરમિયાન બન્ને ટીમોને 3 ટી20 અને 3 વનડે મેચ રમવાની હતી. પણ કોરોના સંકટના કારણે આ શિડ્યૂલ પુરુ ના થઇ શક્યુ.



રિપોર્ટ પ્રમાણે, શ્રીલંકન ક્રિકેટ બોર્ડ આ સંબંધે બીસીસીઆઇ સાથે આગળની વાતચીત કરશે, આ પહેલા તે પોતાના દેશના રમત મંત્રાલય પાસે આ તમામની પરવાનગી માંગશે. સ્ટેડિયમમાં દર્શકોની હાજરીને લઇને પણ વાત કરશે, જેમાં ઓછામાં ઓછા 30-40 ટકા દર્શકોની હાજરી હોય.