મુંબઈઃ વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ કેપ્ટન ડેરેન સામીએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં પોતે રંગભેદનો ભોગ બન્યો હોવાની કોમેન્ટ કરીને વિવાજ સર્જ્યો છે.  ડેરેન સેમીએ કહ્યું હતું કે, આઈપીએલમાં ઘણા ક્રિકેટરો તેને  ‘કાલુ’ કહેતા હતા. સામીએ કોણ આ પ્રકારની ટીપ્પણી કરતું હતું તેનું નામ નથી આપ્યું પણ આ ક્રિકેટર ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર ઇશાંત શર્મા હોવાની શક્યતા છે. ઇશાંત શર્માની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તેણે સેમી સામે રંગભેદી ટિપ્પણી કરી હતી.


ઇશાંત શર્માની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ટ્વિટર પર વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ વર્ષ 2014 ની છે. આ પોસ્ટમાં ઇશાંત શર્માએ ડેરેન સેમી માટે ‘કાલુ’ શબ્દનો ઉપયોગ કર્યો છે. ઇશાંત શર્માએ પોતાની સાથે ભુવનેશ્વર કુમાર, ડેરેન સેમી અને ડેલ સ્ટેનના ફોટા પોસ્ટ કર્યા હતા.   ઇશાંત શર્માએ   કેપ્શનમાં લખ્યું છે: હં, ભુવી, કાલૂ અને ગન. સનરાઇઝર્સ. આ પોસ્ટ ઇશાંત શર્માના ઇન્સ્ટાગ્રામના ઓફિશિયલ એકાઉન્ટ પરથી કરવામાં આવી છે.



જો કે ડેરેન સેમીએ આખી સનરાઇઝર્સ ટીમ પર રંગભેદી ટિપ્પણીનો આક્ષેપ મૂક્યો છે. સેમીએ વીડિયોમાં દાવો કર્યો હતો કે, તેને અને તિસારા પરેરાને ‘કાલુ’ કહીને બોલાવવામાં આવતા હતા અને ખેલાડીઓ હસતા હતા.

સામીએ કહ્યું કે, આ ખેલાડીઓને પોતે તેના ભાઈ માને છે પણ તેમણે આવી ટીપ્પણી કરતાં તેને દુઃખ થયું હતું.  સેમીએ કહ્યું કે, તેને ખબર નહોતી કે ‘કાલુ’નો અર્થ કાળો અથવા બ્લેક થાય છે. રંગભેદી ટિપ્પણીઓ બદલે સામીએ સનરાઇઝર્સ ટીમથી માફીની માંગ કરી છે.