ભારતીય ટેસ્ટ ક્રિકેટ અત્યારે એક મોટા સંક્રમણ કાળમાંથી (ટ્રાન્ઝિશન ફેઝ) પસાર થઈ રહ્યું છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને આર. અશ્વિન જેવા દિગ્ગજ ખેલાડીઓએ ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ લીધા બાદ, BCCI હવે ભવિષ્યની નવી અને મજબૂત ટીમ તૈયાર કરવાના કામે લાગી ગયું છે. આ માટે બોર્ડે એક ખાસ માસ્ટર પ્લાન બનાવ્યો છે, જેમાં IPL માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહેલા 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી જેવા યુવા ટેલેન્ટને સીધી તક મળશે. હવે ટેલેન્ટેડ ખેલાડીઓ માટે ઉંમર કોઈ અડચણ નહીં બને. આવનારા 10 વર્ષ માટે ટેસ્ટ ટીમનો પાયો મજબૂત કરવા, બોર્ડ 25 વર્ષથી નીચેના 64 ખેલાડીઓ માટે એક ખાસ 4 દિવસીય ટૂર્નામેન્ટ યોજવા જઈ રહ્યું છે.
ટેસ્ટ ક્રિકેટમાં કેમ પડી આ નવા પ્લાનની જરૂર?
ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાએ વનડે અને T20 માં તો જોરદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ રેડ બોલ ક્રિકેટ એટલે કે ટેસ્ટમાં ટીમનો દેખાવ ખૂબ જ નિરાશાજનક રહ્યો છે. 12 વર્ષ સુધી ઘરઆંગણે અજેય રહેવાનો આપણો રેકોર્ડ તૂટી ગયો અને ટીમ પહેલા ન્યુઝીલેન્ડ અને પછી સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ હારી ગઈ. આવામાં, વરિષ્ઠ ખેલાડીઓની વિદાય પછી, બોર્ડને સ્પષ્ટ થઈ ગયું છે કે ટેસ્ટ ક્રિકેટના બેઝિક્સ સુધાર્યા વગર છૂટકો નથી.
વૈભવ સૂર્યવંશી અને અન્ય યુવા સ્ટાર્સ પર વિશેષ નજર
IPL માં પોતાની ધમાકેદાર બેટિંગથી બધાનું ધ્યાન ખેંચનાર તાજેતરમાં જ 15 વર્ષના થયેલા વૈભવ સૂર્યવંશીએ અંડર 19 અને સ્થાનિક (ડોમેસ્ટિક) ક્રિકેટમાં પણ પોતાનો ડંકો વગાડ્યો છે. ચાહકો તેને જલ્દીથી ટીમ ઈન્ડિયામાં જોવા માંગે છે. વૈભવની સાથે સાથે આયુષ મ્હાત્રે અને સમીર રિઝવી જેવા યુવા સ્ટાર્સ પણ એવા લિસ્ટમાં છે, જેમના પર BCCI ના 'સેન્ટર ઓફ એક્સેલન્સ' દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
શું છે BCCI ની આ 64 ખેલાડીઓની ટૂર્નામેન્ટ?
પીટીઆઈ (PTI) ના રિપોર્ટ મુજબ, BCCI જૂન જુલાઈ મહિનામાં એક ખાસ ચાર દિવસીય ટૂર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે. આ ટૂર્નામેન્ટની ખાસિયતો નીચે મુજબ હશે:
આમાં 25 વર્ષથી ઓછી ઉંમરના કુલ 64 ખેલાડીઓ ભાગ લેશે.
ખેલાડીઓની ટેકનિક, ધીરજ અને ક્ષમતાની અસલી કસોટી કરવા માટે મેચો અલગ અલગ પ્રકારની પીચો પર રમાડવામાં આવશે.
ખેલાડીઓની પસંદગી કેવી રીતે થશે? 25 ખેલાડીઓ રણજી ટ્રોફી અને ડોમેસ્ટિક સર્કિટમાંથી લેવામાં આવશે. બીજા 25 ખેલાડીઓ જુનિયર ક્રિકેટ (સીકે નાયડુ ટ્રોફી, કૂચ બિહાર ટ્રોફી) માંથી પસંદ થશે. જ્યારે બાકીના ખેલાડીઓને IPL ના પ્રદર્શનના આધારે પસંદ કરાશે.
મુખ્ય કોચ અને સિલેક્ટરની રહેશે સીધી નજર
આ કોઈ સામાન્ય ટૂર્નામેન્ટ નહીં હોય. આમાં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ અને ચીફ સિલેક્ટર જાતે હાજર રહીને ખેલાડીઓના પ્રદર્શન પર નજર રાખશે. અહેવાલો મુજબ, રાષ્ટ્રીય ટીમની પસંદગી પણ આ ટૂર્નામેન્ટમાં કરેલા પ્રદર્શનના આધારે જ કરવામાં આવશે.
આ ઉપરાંત, અત્યારે IPL ની 19મી સીઝન ચાલી રહી છે. આ ટૂર્નામેન્ટ પૂરી થયા પછી તરત જ ભારતની અંડર 19 અને ઈમર્જિંગ ટીમ 4 દિવસીય મેચો રમવા માટે શ્રીલંકાના પ્રવાસે જવાની છે, જે યુવા ખેલાડીઓ માટે વધુ એક મોટી તક સાબિત થશે.
