Team India Openers: ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની T20 શ્રેણીમાં ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી જયસ્વાલની ઓપનિંગ જોડી  જે રીતે પ્રદર્શન કરી રહી છે, તે ચોક્કસપણે પસંદગી સમિતિ માટે મુશ્કેલી ઊભી કરશે. ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગીને લઈને આ મુશ્કેલીઓ ઊભી થવા જઈ રહી છે. હકીકતમાં, ટીમ ઈન્ડિયામાં ઘણા સારા યુવા અને સિનિયર ખેલાડીઓ છે કે પસંદગી સમિતિ માટે ટી-20 વર્લ્ડ કપ માટે ટીમની પસંદગી કરવી સરળ નથી. જો આપણે ફક્ત ઓપનિંગ જોડી પર નજર કરીએ તો પાંચ દાવેદાર છે. આ પાંચમાંથી કોઈપણ બેની પસંદગી કરવી કોઈ પણ સંજોગોમાં સરળ રહેશે નહીં.


વર્લ્ડ કપ 2023માં ભારત માટે રોહિત શર્મા અને શુભમન ગીલે ઓપનિંગ કર્યું હતું. અહીં ઈશાન કિશન પણ દાવેદાર હતો પરંતુ શુભમનના કારણે તેને બેંચ પર બેસવું પડ્યું. હવે T20 વર્લ્ડ કપમાં આ સંખ્યા વધુ વધે છે. આ યાદીમાં યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડ પણ જોડાયા છે. આ બંને ખેલાડીઓ ટી-20માં શાનદાર સ્ટાઈલમાં રન બનાવી રહ્યા છે. છેલ્લા T20 વર્લ્ડ કપથી અત્યાર સુધીના આ પાંચ બેટ્સમેનોની T20 મેચોના આંકડાઓ પર નજર કરીએ તો, રોહિત અને ઈશાનનો હાથ નબળો દેખાય છે.


1. યશસ્વી જયસ્વાલઃ આ યુવા બેટ્સમેને છેલ્લા T20 વર્લ્ડ કપથી અત્યાર સુધીમાં 33 T20 મેચ રમી છે. અહીં તેની બેટિંગ એવરેજ 40.65 અને સ્ટ્રાઈક રેટ 161.28 છે. આ દરમિયાન યશસ્વીએ કુલ 1179 રન બનાવ્યા હતા. પાવરપ્લે હોય કે મિડલ ઓવર, સ્પિનરો હોય કે ફાસ્ટ બોલર, યશસ્વીનો સરેરાશ સ્ટ્રાઈક રેટ ઓછામાં ઓછો 145થી ઉપર છે.


2. ઋતુરાજ ગાયકવાડઃ આ બેટ્સમેને છેલ્લા એક વર્ષમાં 30 T20 મેચ રમી છે. ગાયકવાડે 52.59ની બેટિંગ એવરેજ અને 154.67ની સ્ટ્રાઈક રેટથી 1157 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી T20 શ્રેણીમાં તે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે.


3. શુભમન ગિલ: T20 વર્લ્ડ કપ 2022 થી, શુભમન ગિલે 28 T20 મેચોમાં 47.76ની એવરેજ અને 154.86ની સ્ટ્રાઈક રેટથી 1194 રન બનાવ્યા છે. ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા તેણે ટી20 ક્રિકેટમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે પોતાની જાતને સાબિત કરી છે.


4. ઈશાન કિશન: છેલ્લા એક વર્ષમાં ઈશાન કિશનના T20 પ્રદર્શનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ સમયગાળામાં આ વિકેટકીપર બેટ્સમેન 29 મેચમાં 25.25ની એવરેજ અને 129.96ની સ્ટ્રાઈક રેટથી માત્ર 707 રન જ બનાવી શક્યો છે.


5. રોહિત શર્મા: રોહિત શર્મા વર્લ્ડ કપ 2023માં સૌથી શક્તિશાળી ઓપનર સાબિત થયો હતો. છેલ્લા એક વર્ષમાં તે T20 ક્રિકેટમાં ફ્લોપ રહ્યો છે. T20 વર્લ્ડ કપ 2022 થી રોહિતે 16 T20 મેચ રમી છે અને તેમાં તેણે માત્ર 20.75ની એવરેજ અને 132.80ના સ્ટ્રાઈક રેટથી 332 રન બનાવ્યા છે.