મુંબઈઃ આફ્રિકા સામે વન-ડે સિરીઝમાં વ્હાઈટ વોશ થયા પછી ઈન્ડિયન ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયા પર ખફા છે. રાહુલ દ્રવિડે ટીમના ખેલાડીઓને ખખડાવીને ગુસ્સો કાઢ્યો હતો. દ્રવિડે એ પણ કબૂલાત કરી કે, ટીમ ઈન્ડિયાને ગુજરાતના બે ઓલરાઉન્ડર્સની ખોટ પડી છે.


કોચ દ્રવિડે જણાવ્યું હતું કે રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યા જેવા પ્લેયર ફિટ થઈને ટીમમાં કમબેક કરશે તો ટીમ મજબૂત બનશે અને સરળતાથી આપણે મેચ જીતી શકીએ છીએ. આ બંને ખેલાડી નંબર 6 અને નંબર 7 પર રમવા માટે પહેલી પસંદ રહેશે. દ્રવિડે જણાવ્યું હતું કે અમે વેંકટેશને પણ તૈયાર કરી રહ્યા છીએ, પરંતુ ટીમની પહેલી પસંદ હાર્દિક પંડ્યા રહેશે.


દ્રવિડે  ટીમની હાર પાછળનાં કારણો જણાવ્યાં હતાં તેમાં ગુજરાતી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાની ગેરહાજરીને પણ કારણભૂત ગણાવી હતી. આફ્રિકા સામેની સીરિઝમાં ઈન્ડિયન ટીમ શાનદાર શરૂઆત કર્યા પછી  મિડલ ઓર્ડરમાં ધબડકો થતાં છેલ્લી મેચ 4 રનથી હારી ગઈ હતી.  તેના કારણે રાહુલ દ્રવિડના કોચિંગ અને કે.એલ. રાહુલની કેપ્ટન્સી સામે સવાલો ઊઠી રહ્યા છે.


હેડ કોચ દ્રવિડને ટીમ કોમ્બિનેશન અને બેલેન્સ અંગે સવાલ પૂછાયો ત્યારે તેમણે જણાવ્યું હતું કે નંબર 6 અને નંબર 7 પર બેટિંગ કરવી  એ બહુ જવાબદારીભર્યું કામ છે. ઈન્ડિયન ટીમમાં આ જવાબદારી સંભાળવા માટે અત્યારે હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજા સૌથી વધુ સક્ષમ છે. દ્રવિડના નિવેદન પરથી સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે, આગામી વર્લ્ડ કપ ટીમમાં તેમને સૌથી પહેલા રમવાની તક મળી શકે છે.
હેડ કોચ રાહુલ દ્રવિડે ટીમ કોમ્બિનેશન અંગે વધુમાં જણાવ્યું હતું કે અત્યારે હાર્દિક, જાડેજા અને રોહિત જેવા ખેલાડી રિકવર થઈ રહ્યા છે. હું પ્રામાણિકતાથી વાત કરું તો તેમની ગેરહાજરીમાં ટીમની ગેમ પર પણ પ્રભાવ પડ્યો છે.  જ્યારે આ ખેલાડી રિકવર થઈને ટીમ સાથે જોડાશે ત્યારે ઈન્ડિયા અલગ ગેમ પ્લાનથી રમતી જોવા મળશે. અમે કોઈપણ સ્થિતિમાં બેસ્ટ અને આક્રમક પ્રદર્શન આપવા માટે મેદાનમાં ઊતરે એવી ટીમ બનાવી રહ્યા છીએ કે જેમાં હાર્દિક અને જાડેજાનો રોલ ઘણો મહત્ત્વપૂર્ણ રહેશે.