નવી દિલ્હી: વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા મહિલા ટીમે પાંચમી અને અંતિમ T20I મેચમાં ભારતીય મહિલા ટીમને 54 રને પરાજય આપ્યો હતો. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચની T20I શ્રેણી 4-1થી જીતી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે 4 વિકેટે 196 રનનો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ 20 ઓવરમાં 142 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દીપ્તિ શર્માએ અડધી સદી ફટકારી હતી પરંતુ ટીમને જીત અપાવી શકી નહોતી.






મેચમાં ઓસ્ટ્રેલિયાએ એક સમયે 67 રન બનાવીને ચાર વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ગાર્ડનર અને હેરિસે શાનદાર ઇનિંગ રમી અને સ્કોરને 196 સુધી લઇ ગયા હતા. ગાર્ડનરે 32 બોલમાં અણનમ 66 રન બનાવ્યા હતા. આ સાથે જ ગ્રેસ હેરિસે 35 બોલમાં અણનમ 64 રન બનાવ્યા હતા. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે 7 બોલરો અજમાવ્યા હતા. દેવિકા વૈદ્ય, શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, અંજલિ સરવાણીને એક-એક વિકેટ મળી હતી.






197 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર સ્મૃતિ મંધાના અને શેફાલી વધુ કંઈ કરી શક્યા નહોતા અને વહેલા આઉટ થઇ ગયા હતા. જેમિમાની જગ્યાએ આવેલી હરલીન દેઓલે 16 બોલમાં 24 રનની ઝડપી ઇનિંગ રમી હતી. કેપ્ટન હરમનપ્રીત પણ કંઈ ખાસ કરી શકી ન હતી અને 12 રન બનાવી આઉટ થઇ હતી.


ઓસ્ટ્રેલિયાના બોલરોએ સમયાંતરે ભારતીય બેટ્સમેનોને આઉટ કર્યા હતા. જેના કારણે ભારત આ મેચમાં વાપસી કરી શક્યું નથી. અંતે દીપ્તિ શર્માએ અડધી સદી ફટકારીને પ્રયાસ કર્યો હતો પરંતુ તે 34 બોલમાં 53 રન બનાવ્યા હતા.


હિથર ગ્રામે હેટ્રિક લીધી


ઓસ્ટ્રેલિયન બોલર હીથર ગ્રામે હેટ્રિક લેતા કુલ 4 વિકેટ ઝડપી હતી. ઓલરાઉન્ડર એશ્લે ગાર્ડનરને 2 અને  મેકગ્રા, એનાબેલ સધરલેન્ડને એક-એક વિકેટ મળી હતી. ગાર્ડનરને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ આપવામાં આવ્યો હતો