IND W vs SA W Test: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો છે. ટીમ ઈન્ડિયાએ ચેન્નાઈમાં દક્ષિણ આફ્રિકા સામે મહિલા ટેસ્ટ ઈતિહાસમાં સર્વોચ્ચ સ્કૉર બનાવ્યો છે. ભારતીય ટીમે પ્રથમ ઇનિંગમાં શેફાલી વર્માની બેવડી સદીના આધારે 603 રન બનાવ્યા હતા. આ પછી ઇનિંગ્સ ડિકલેર કરવામાં આવી હતી. સ્મૃતિ મંધાનાએ તોફાની પ્રદર્શન કર્યું અને સદી ફટકારી. તેને 149 રનની ઇનિંગ રમી હતી. ઋચા ઘોષે 86 રન બનાવ્યા હતા.
ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટ ગુમાવીને 603 રન બનાવ્યા હતા. આ પછી ઇનિંગ્સ ડિકલેર કરવામાં આવી હતી. ભારતે મહિલા ટેસ્ટના ઈતિહાસમાં સૌથી વધુ કુલ સ્કૉર બનાવ્યો છે. શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાના ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે 250થી વધુ રનની ભાગીદારી થઈ હતી. સ્મૃતિએ 161 બોલનો સામનો કર્યો અને 149 રન બનાવ્યા. તેની ઇનિંગમાં 27 ફોર અને 1 સિક્સ સામેલ હતી.
શેફાલીએ ફટકારી બેવડી સદી
શેફાલીએ બેવડી સદી ફટકારી હતી. તેણે 197 બોલનો સામનો કરીને 205 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 23 ચોગ્ગા અને 8 છગ્ગાનો સમાવેશ થાય છે. સ્મૃતિ અને શેફાલી ઉપરાંત રિચા ઘોષ અને હરમનપ્રીત કૌરે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઋચાએ 90 બોલનો સામનો કર્યો અને 86 રન બનાવ્યા. તેણે 16 ચોગ્ગા ફટકાર્યા હતા. હરમનપ્રીતે 115 બોલનો સામનો કર્યો અને 69 રન બનાવ્યા. જેમિમાહ રોડ્રિગ્ઝે 94 બોલમાં 55 રન બનાવ્યા હતા. તેણે 8 ચોગ્ગા ફટકાર્યા હતા.
દક્ષિણ આફિકાના બૉલરોની હાલત ખરાબ
દક્ષિણ આફ્રિકાના બોલરો ભારતની ઓપનિંગ જોડીને સરળતાથી આઉટ કરી શક્યા ન હતા. જોકે, ટીમની પ્રથમ વિકેટ ડેલ્મી ટકરને મળી હતી. તેણે સ્મૃતિ મંધાનાને આઉટ કર્યો. ટકરે 26 ઓવરમાં 141 રન આપીને 2 વિકેટ લીધી હતી. નોનકુલુલેકો મલબાએ 26.1 ઓવરમાં 122 રન આપીને 1 વિકેટ લીધી હતી. નાદિન ડી ક્લાર્કને પણ એક વિકેટ મળી હતી.
મહિલા ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં એક ઇનિંગમાં સૌથી વધુ સ્કોર -
ભારત - 603 રન (વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, ચેન્નાઈ ટેસ્ટ મેચ, વર્ષ 2024)
ઓસ્ટ્રેલિયા - 575 રન (વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, પર્થ ટેસ્ટ મેચ, વર્ષ 2023)
ઓસ્ટ્રેલિયા - 569 રન (વિરુદ્ધ ઈંગ્લેન્ડ, ગિલ્ડફોર્ડ ટેસ્ટ મેચ, 1998)
ઓસ્ટ્રેલિયા - 525 રન (વિરુદ્ધ ભારત, અમદાવાદ ટેસ્ટ મેચ, 1984)
ન્યૂઝીલેન્ડ - 517 રન (વિરુદ્ધ ઈંગ્લેન્ડ, સ્કારબોરો ટેસ્ટ મેચ, 1996)