PCB Chief Selector Inzamam UL Haq Resigned: ODI વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખરાબ પ્રદર્શન બાદ PCBમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન ક્રિકેટમાં આક્ષેપ પ્રતિઆક્ષેપ ચાલી રહ્યા છે.  આ દરમિયાન પાકિસ્તાની ટીમના ચીફ સિલેક્ટર ઈન્ઝમામ ઉલ હકે રાજીનામું આપી દીધું છે. ઈન્ઝમામ પર ઘણા ખેલાડીઓનો ફાયદો ઉઠાવવાનો આરોપ હતો.


તમામ આરોપો વચ્ચે ઈન્ઝમામ ઉલ હકે ચીફ સિલેક્ટર પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો. ભારતમાં રમાઈ રહેલા ODI વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનની ટીમ ખૂબ જ ખરાબ ફોર્મમાં જોવા મળી રહી છે. બાબર આઝમની કપ્તાની હેઠળની પાકિસ્તાન ક્રિકેટ ટીમે ભારતમાં યોજાઈ રહેલા ક્રિકેટના મહાકુંભ એટલે કે વર્લ્ડ કપમાં 6 મેચ રમી છે, જેમાંથી 4 મેચમાં પાકિસ્તાની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે.


ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનના ખરાબ પ્રદર્શન બાદ ટીમના ઘણા પૂર્વ ખેલાડીઓ પણ કેપ્ટન બાબર આઝમ પર નિશાન સાધતા જોવા મળ્યા હતા. પાકિસ્તાનના ઘણા ક્રિકેટ નિષ્ણાતો અને ભૂતપૂર્વ ખેલાડીઓએ વર્લ્ડ કપમાં ટીમના ખરાબ પ્રદર્શન માટે બાબર આઝમને જવાબદાર ઠેરવ્યા હતા. ઘણા ખેલાડીઓએ સલાહ પણ આપી અને કેપ્ટન તરીકે અન્ય ખેલાડીઓના નામ પણ સૂચવ્યા. બાબર હાલમાં ત્રણેય ફોર્મેટમાં પાકિસ્તાનનો નિયમિત કેપ્ટન છે.


પાકિસ્તાનનું વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન  


પાકિસ્તાને વર્લ્ડ કપમાં તેની પ્રથમ મેચ 06 ઓક્ટોબરે નેધરલેન્ડ સામે રમી હતી, જેમાં બાબરની કપ્તાની હેઠળની પાકિસ્તાની ટીમે 81 રને જીત મેળવી હતી. આ પછી પાકિસ્તાને વર્લ્ડ કપના ઐતિહાસિક રનનો પીછો કરતા શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું હતું. ત્યારબાદ બાબરની ટીમે ભારત સામે ત્રીજી મેચ રમી જેમાં  પાકિસ્તાનની ટીમનો 7 વિકેટે પરાજય થયો હતો. આ પછી પાકિસ્તાનની ટીમનું પ્રદર્શન સતત ખરાબ રહ્યું છે.   અત્યાર સુધી રમાયેલી તમામ મેચ પાકિસ્તાનની ટીમ હારી ગઈ છે. ભારત બાદ પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સામે 62 રને, અફઘાનિસ્તાન સામે 8 વિકેટે અને દક્ષિણ આફ્રિકા સામે 1 વિકેટથી હાર્યું હતું.  


ઉલ્લેખનીય છે કે ભારતનો વર્લ્ડકપ પ્રવાસ પાકિસ્તાનની ટીમ માટે અત્યાર સુધી દુઃસ્વપ્ન સમાન રહ્યો છે. પાકિસ્તાનને ભારત, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે સતત 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેઓએ શરૂઆતમાં શ્રીલંકા અને નેધરલેન્ડ સામે બે મેચ જીતી હતી, પરંતુ ભારત સામેની હાર બાદ તેઓ પાટા પરથી ઉતરી ગયા હતા અને હવે ટૂર્નામેન્ટમાંથી લગભગ બહાર થઈ ગયા છે. પાકિસ્તાનમાં ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતો ખૂબ જ નારાજ છે કારણ કે તેમની ટીમ સેમિફાઇનલ સુધી પહોંચવાની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે.