યુએઈમાં રમાનારી આઈપીએલને લઈ 1 ઓગસ્ટે ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાશે. જેમાં શિડ્યૂલ, ખેલાડીઓ માટે પ્રોટોકોલ, બ્રોડકાસ્ટર્સ, ફ્રેન્ચાઇઝી અને અન્ય સ્ટેક હોલ્ડર્સ માટે સત્તાવાર જાહેરાત થઈ શકે છે. આઈપીએલ ગર્વનિંગ કાઉન્સિલ વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાશે. જે પૂરી થયા બાદ તારીખ, શેડ્યૂલ, મેચના સમયની જાહેરાત કરવામાં આવશે.
આઈપીએલનું આયોજન બાયો સિક્યોર વાતાવરણમાં થશે. બાયો સિક્યોર વાતાવરણ તૈયાર કરવાની જવાબદારી તમામ ફ્રેન્ચાઇઝીની રહેશે. બાયો સિક્યોર વાતાવરણની બહાર કોઈ પણ વ્યક્તિને મળવાની મંજૂરી નહીં હોય.
19 સપ્ટેમ્બરે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચથી આઈપીએલની શરૂઆત થશે. 8 નવેમ્બરે ફાઇનલ રમાશે. પરંતુ ગવર્નિંગ કાઉન્સિલમાં ફાઇનલ 10 નવેમ્બરે યોજવાની ચર્ચા થઈ શકે છે. દિવાળી 14 નવેમ્બરે હોવાથી પ્રસારણકર્તા વધારે વધારે દર્શકોને ખેંચવા માંગે છે. આઈપીએલ પૂરી થયા બાદ ભારતીય ટીમ સીધી જ ત્યાંથી ઓસ્ટ્રેલિયા પ્રવાસે જવા રવાના થશે.
આ વખતે બીસીસીઆઈની કોશિશ એક દિવસમાં એક જ મેચ રમાડવાની છે. 51 દિવસના શેડ્યૂલમાં 60 મેચ રમાશે. આ વખતે આઈપીએલનું આયોજન મેદાન પર દર્શકો વગર જ થશે.