સનરાઇઝર્સના ઓપનરોએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. કેપ્ટન ડેવિડ વોર્નર (34 બોલમાં 66 રન) અને રિદ્ધીમાન સાહાએ (45 બોલમાં 87 રન) પ્રથમ વિકેટ માટે 107 રનની પાર્ટનરશિપ કરી હતી. મનીષ પાંડે 31 બોલમાં 44 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.
વોર્નર અને સાહાએ દિલ્હી સામે પાવર પ્લેમાં 77 રન ઉમેર્યા હતા. જેની સાથે બંનેના નામે ચાલુ સીઝનમાં પાવર પ્લેમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ નોંધાઈ ગયો છે. જે પાવર પ્લેમાં હૈદરાબાદનો સર્વોચ્ચ સ્કોર છે. હૈદરાબાદે પાવર પ્લેમાં 2017માં સૌથી વધારે 79 રન બનાવ્યા હતા.
સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલમાં તેનો બીજા નંબરનો સર્વોચ્ચ સ્કોર નોંધાવ્યો હતો. આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો સર્વોચ્ચ સ્કોર 231/2 વિકેટ છે. જે તેણે 2019માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે બનાવ્યો હતો. આ ઉપરાંત આઈપીએલ 2020માં હૈદરાબાદે ચોથો સર્વોચ્ચ સ્કોર નોંધાવ્યો હતો. દિલ્હી કેપિટલ્સે 228/4, રાજસ્થાન રોયલસે 226/6, કિંગ્સ ઇલેવન પંજાબે 223/2 રનના સ્કોર આ સીઝનમાં નોંધાવી ચુક્યા છે.