દુબઈઃ દિલ્હી કેપિટલ્સના ઓપનર શિખર ધવનેમંગળવારે કિંગ્સ ઇલેવન પંજાબ સામે ઇતિહાસ રચ્યો અને આઈપીએલના 13 વર્ષના ઈતિહાસમાં કોઈ ક્રિકેટર નહોતો કરી શક્યો એવું પરાક્રમ કરી બતાવ્યું.  દિલ્હી કેપિટલ્સના ઓપનર બેટ્સમેન શિખર ધવને તોફાની બેટિંગ કરી આઈપીએલમાં સતત બીજી સદી ફટકારી. શિખર ધવન IPLમાં સતત બે સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો છે.


શિખરની નજર હવે વિરાટ કોહલીના એક આઈપીએલ સીઝનમાં સૌથી વધુ સદીના રેકોર્ડ પર છે. એક સીઝનમાં સૌથી વધુ સદીમાં વિરાટ કોહલી 4 સદી સાથે ટોચ પર છે. કોહલીએ આઈપીએલની  2016ની સીઝનમાં આ પરાક્રમ કર્યું હતું. ધવન વધુ બે સદી ફટકારે તો વિરાટના રેકોર્ડની બરાબરી કરશે અને વધુ ત્રણ સદી ફટકારે તો નવ ઈતિહાસ રચશે. ધવન પહેલા ક્રિસ ગેલ, હાશિમ અમલા, શેન વોટસન  એક જ સીઝનમાં બે સદી ફટકારી ચૂક્યા છે.


પંજાબ સામેની મેચમાં ધવને 61 બોલમાં અણનમ 106 રન ફટકાર્યા. જેમાં તેણે 12 ચોગ્ગા અને 3 છગ્ગા લગાવ્યા હતા. એ પહેલાંની મેચમાં ધવને ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK) સામે અણનમ 101 રન બનાવ્યા હતા. ટી 20 ક્રિકેટમાં આ તેની પ્રથમ સદી હતી. ધવને IPLના ઇતિહાસમાં પણ 5000 રન પૂરા કર્યા છે. ધવન   પહેલાં વિરાટ કોહલી, સુરેશ રૈના, રોહિત શર્મા અને ડેવિડ વોર્નરે 5000 રન પૂરા કર્યા છે.