નવી દિલ્હીઃ આઈપીએલની 13મી સીઝનની શરૂઆત આજે એટલે કે 19 સપ્ટેમ્બરથી મુંબઈ ઇન્ડિન્સ અને ચેન્નઈ સુપર કંગ્સની વચ્ચે રમાનાર મેચથી થશે. પરંતુ આ વખતે સુરેશ રૈના આઈપીએલનો ભાગ નહીં હોય. તે વ્યક્તિગત કારણઓસર યૂએઈથી પરત ફર્યો હતો. રૈના જમ્મુ કાશ્મીરમાં એક અલગ મિશન પર છે.


હાલમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરનાર સુરૈશ રૈનાએ શુક્રવારે શ્રીનગરમાં જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સાથે મુલાકાત કરી અને જમ્મુ કાશ્મીરના ક્રિકેટરો માટે 10 ક્રિકેટ ટ્રેનિંગ સ્કૂલ ખોલવાની જાહેરાત કરી.

રાજભવન  દ્વારા બહાર પાડવામાં આવેલ એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, ઉપરાજ્યપાલની વિનંતી પર જાણીતા ક્રિકેટર સુરેશ રૈના કાશ્મીર ડીવિઝનમાં પાંચ સ્કૂલ અને જમ્મુ ડિવીઝનમાં આટલી જ સ્કૂલ ખોલવા માટે અને યુવાઓને પ્રશિક્ષિત કરવા માટે સહમત થયા છે.

સુરેશ રૈનાએ કહ્યું કે, જમ્મુ કાશ્મીરના તમામ ક્ષેત્રોથી પ્રતિભાઓની ઓળક કરી તેમની પસંદગી કરવામાં આવશે અને આંતરરાષ્ટ્રીય સ્તર પર રમવા માટે તૈયાર કરવામાં આવશે. આ પહેલા સુરેશ રૈનાએ જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહને પત્ર લખ્યો હતો અને પોતાની ક્રિકેટ એકેડમીના માધ્યમથી સ્થાનીક યુવાઓને પ્રશિક્ષિત કરવામાં તેમની મદદ કરવા માટે પોલીસ પાસે મદદ માગી હતી.