દુબઈઃ ઈન્ડિયન પ્રીમિર લીગ (આઈપીએલ)ની આગામી સીઝ માટે દરેક ટીમે માથે પડેલા ખેલાડીઓને છૂટા કર્યા છે. આ ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ઓલરાઉન્ડર ગણાતો ગ્લેન મેક્સવેલ પણ છે. મેક્સવેલની 2020ની આઇપીએલ ઘણી ખરાબ રહી હતી. યુએઈમાં રમાઈ રહેલી આઈપીએલમાં મેક્સવેલ કિંગ્સ ઈલેવન પંજાબને માથે પડ્યો હતો તેથી પ્રીટિઝિન્ટાએ છેવટે તેને તગેડી મૂક્યો છે. 10.75 કરોડમાં ખરીદાયેલો મેક્સવેલ એક પણ મેચમાં ચાલ્યો નહોતો. તેના કારણે ટીમે ઘણી મેચો હારતાં તેને પડતો મૂકાયો છે.


ભારતના ભૂતપૂર્વ ઓપનર વિરેન્દ્ર સેહવાગ કિંગ્સ ઈલેવન પંજાબની ઉપરાછાપરી હારથી અકળાયો હતો. સેહવાગ ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ પર સૌથી વધારે ભડક્યો હતો. સેહવાગે કહ્યું હતું કે, મને એ જ ખબર નથી પડતી કે મેક્સવેલમાં એવું શું છે કે આઈપીએલ ફ્રેન્ચાઈઝી હરાજી વખતે તેની પાછળ દોડે છે અને તેને ઉંચો ભાવ આપીને ખરીદે છે. બાકી એ એક પણ સીઝનમાં રમતો જ નથી.

સેહવાગે સવાલ કર્યો કે, મેક્સવેલને જોરદાર દેખાવ કરવા કેવું પ્લેટફોર્મ જોઈએ એ જ ખબર પડતી નથી. તેને પ્રેશરમાં મોકલો તો પણ એ રમતો નથી ને વહેલો મોકલો તો પણ રમતો નથી. મને તેના મગજમાં શું ચાલે છે એ જ ખબર પડતી નથી કેમ કે દર વર્ષે આ જ વાતો દોહરાવાય છે છતાં ફ્રેન્ચાઈઝી તેની પાછળ દોડે છે. મને લાગે છે કે, આવતા વર્ષે તેની કિંમત 10 કરોડથી ઘટીને 1 કરોડ થઈ જવી જોઈએ કે જેને માટે એ લાયક છે.