નવી દિલ્હીઃ  ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ યુએઈમાં રમાનારી આઈપીએલ 2021ની બાકીની મેચોના કાર્યક્રમોની જાહેરાત કરી દીધી છે. યુએઈમાં 27 દિવસના સમયગાળામાં કુલ 31 મેચો રમાશે.બીસીસીઆઈના નવા શેડ્યૂલ મુજબ, આઈપીએલ સીઝનની બાકીની શરૂઆત 19 સપ્ટેમ્બરના રોજ દુબઇમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચેની મેચથી થશે.


કેટલા વાગે શરૂ થશે મેચ


યુએઈમાં 13 મેચ દુબઇમાં યોજાશે. દસ મેચ શારજાહમાં યોજાશે. જ્યારે આઠ અબુધાબીમાં થશે. સાત મેચ ડબલ-હેડર હશે, જેમાં પ્રથમ મેચ ભારતીય સમય અનુસાર બપોરે સાડા ત્રણ વાગ્યે શરૂ થશે. જ્યારે બીજી તરફ સાંજે જે મેચો આયોજીત કરવામાં આવી છે તે તમામ મેચો સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.


દિલ્હી-બેંગ્લોર વચ્ચે અંતિમ મેચ


અંતિમ મેચ 8 ઓક્ટોમ્બરે રોયલ ચેલેન્જર બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. પ્રથમ ક્વોલિફાયર મુકાબલો 10 ઓક્ટોબરના રોજ દુબઈમાં યોજાશે. જ્યારે કે એક એલિમિનેટર અને ક્વોલિફાયર 2 11 અને 13 ઓક્ટોબરના રોજ શારજહામાં રમાશે. IPLની આ સિઝનનો ફાઈનલ મુકાબલો દુબઈમાં 15 ઓક્ટોબર યોજાશે.




રમાઈ ચુકયા છે 29 મુકાબલા


અનેક ટીમોમાં કોરોનાના મામલા સામે આવ્યા બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનને 4 મેના રોજ સ્થગિત કરી દેવામાં આવી હતી. 2 મે સુધી કુલ 29 મુકાબલા રમાયા હતા. આઈપીએલ 2021 સ્થગિત થઈ ત્યાં સુધીમાં દિલ્હી કેપિટલ્સ આઠ મેચમાં છ જીત સાથે પ્રથમ સ્થાને હતું. ચેન્નઈ સુપર કિંગ્સ પાંચ મેચમાં જીત સાથે બીજા નંબર પર હતું. વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળની આરસીબી પાંચ મેચમાં જીત સાથે ત્રીજા ક્રમે હતું.  




ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસ 40 હજાર આસપાસ નોંધાઈ રહ્યા છે. સતત ચોથા દિવસે 40 હજારથી ઓછા કેસ નોંધાયા છે. સોમવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 39,361 નવા કેસ નોંધાયા અને 416 સંક્રમિતોના મોત થયા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં 35,968 લોકો કોરોનાથી ઠીક થયા છે એટલે કે 2,977 એક્ટિવ કેસ વધ્યા છે.