IND Vs ENG: ઇંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડે બે ખેલાડીઓને મોકલવાનો ફેંસલો કર્યો છે. ત્રણ ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયા બાદ બીસીસીઆઇએ ઓ મોટો ફેંસલો લીધો છે. બીસીસીઆઇએ તોફાની ઓપનર બેટ્સમેન પૃથ્વી શૉ અને સ્ટાર બેટ્સમેને સૂર્યકુમાર યાદવને ઇંગ્લેન્ડ મોકલશે. આ બન્ને ખેલાડીઓ હાલ શ્રીલંકા પ્રવાસમાં છે, અને બન્ને ખેલાડીઓ પોતાની બેટિંગથી પ્રભાવિત કરી ચૂક્યા છે. રિપોર્ટ્સ અનુસાર પૃથ્વી શૉ અને સૂર્યકુમાર યાદવ બીજી ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડિયા સાથે જોડાઇ જશે, સંભાવના છે કે બીજી ટેસ્ટમાં બન્ને રમી પણ શકે છે. 


નેશનલ સિલેક્ટર અને બીસીસીઆઇએ ટીમ મેનેજમેન્ટની ઇંગ્લેન્ડ સીરીઝ માટે ખેલાડીઓની અપીલને સ્વીકારી લીધી છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ માટે ગયેલી ભારતીય ટીમ ઇજાની સમસ્યા સામે ઝઝૂમી રહી છે. ભારતના શુભમન ગીલ, વૉશિંગટન સુંદર અને આવેશ ખાન ઇજાગ્રસ્ત થયા છે. 


શુભમન ગીલને ગયા મહિને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ મેચ બાદ ઇજા થઇ હતી અને તે તાજેતરમાં જ સ્વદેશ પરત ફર્યો છે. આવેશ અને વૉશિંગટન સુંદરને આ અઠવાડિયે રમાયેલી પ્રેક્ટિસ મેચ દરમિયાન ઇજા થઇ હતી. 


રહાણેની ફિટ થવાની આશા-
સૂર્યકુમાર અને પૃથ્વી શૉના નામને ચેતન શર્માના નેતૃત્વ વાળી સિલેક્શન કમિટીએ મુખ્ય કૉચ રવિ શાસ્ત્રીની સાથે ચર્ચા બાદ મંજૂરી આપી છે. ત્રીજા ખેલાડી માટે અપીલ કરવામાં આવી છે પરંતુ તેના વિશે હાલ કોઇ જાણકારી નથી કે અન્ય કોઇ ખેલાડી ઇંગ્લેન્ડ જશે કે નહીં. 


પૃથ્વી શૉને બેકઅપ ઓપનર બેટ્સમેન તરીકે ઇંગ્લેન્ડ મોકલવામાં આવી રહ્યો છે. સૂર્યકુમાર યાદવ મીડલ ઓર્ડરમાં રમતો દેખાઇ શકે છે. મીડિયા રિપોટનુ માનીએ તો ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી સૂર્યકુમારથી ખુબ પ્રભાવિત છે અને સૂર્યકુમારને ઇંગ્લેન્ડ મોકલવામાં વકીલાત પણ કરી છે. 


ટીમ ઇન્ડિયાના ઉપકેપ્ટન અંજિક્યે રહાણે પણ ઇજાગ્રસ્ત છે, પરંતુ ટીમ મેનેજમેન્ટને આશા છે કે રહાણે ચાર ઓગસ્ટથી શરૂ થવા જઇ રહેલા પહેલી ટેસ્ટ સુધી એકદમ ફિટ થઇ જશે.