DC vs SRH: રબાડાની ત્રણ વિકેટ બાદ ઐયરના અણનમ ૪૭ તેમજ ધવનના ૪૨ની મદદથી દિલ્હી કેપિટલ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને આઠ વિકેટથી હરાવીને પોઈન્ટ ટેબલમાં ફરી નંબર વનનું સ્થાન હાંસલ કરી લીધું છે. જીતવા માટેના ૧૩૫ના ટાર્ગેટ સામે દિલ્હીએ ૧૭.૫ ઓવરમાં બે વિકેટે ૧૩૯ રન કરી મેચ જીતી લીધી હતી. હૈદરાબાદની ટીમ ૮મી મેચ રમી હતી અને સાતમી મેચમાં હારી હતી. જ્યારે દિલ્હીની ટીમનો નવમી મેચમાં આ સાતમો વિજય હતો. હવે તેમના ૧૪ પોઈન્ટ થઈ ગયા છે. બીજા ક્રમે ચેન્નાઈ ૮ મેચમાં છ જીત મેળવીને ૧૨ પોઈન્ટ સાથે છે.


ઐયર-પંતની જોડીએ દિલ્હીને અપાવી જીત


જીતવા માટેના ૧૩૫ના ટાર્ગેટ સામે દિલ્હીએ પ્રભુત્વસભર બેટીંગ કરી હતી. ધવન અને ઐયર વચ્ચે ૪૮ બોલમાં ૫૨ રનની ભાગીદારી થઈ હતી. જે પછી ઐયર અને પંતની જોડીએ ૪૨ બોલમાં અણનમ ૬૭ રન જોડતાં ટીમને જીત અપાવી હતી.  અગાઉ અબ્દુલ સમદના ૨૮ અને રાશિદ ખાનના ૨૨ રનની મદદથી સનરાઈઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સ સામેની આઇપીએલ ટી-૨૦માં નવ વિકેટે ૧૩૪ રન કર્યા હતા.


કેટલી ઝડપે ફેંકયો બોલ


દિલ્હીની જીતમાં ફાસ્ટ બોલ્ર એનરિક નોર્ખિયાએ મહત્વનું યોગદાન આપ્યું હતું. આઈપીએલ 14માં પ્રથમ મેચ રમી રહેલા આ ખેલાડીએ સીઝનનો સૌથી ફાસ્ટ બોલ ફેંક્યો હતો. તેણે 151.71 કિલોમીટરની ઝડપે બોલ ફેંક્યો હતો. આઈપીએલ સીઝન 14ની સૌથી ફાસ્ટ આઠ બોલ નાંખવાનો રેકોર્ડ પણ તેના નામે છે. સનરાઇર્સ સામે તેમે ચાર બોલ 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નાંખી હતી. નોર્ખિયા સિવાય કોઈ બોલર આવું કારનામું કરી શક્યા નથી.


પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ


તેણે 4 ઓવરના સ્પેલમાં 12 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. યુએઈમાં નોર્ખિયાનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. તેણે ગત વર્ષે દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા 22 વિકેટ હાંસલ કરી હતી.