IPL 2021: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021માં આજે 31મી મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાશે. આ મુકાબલો આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી માટે ખાસ છે. રન મશીન કોહલી આજે કેકેઆર સામે મેદાન પર ઉતરવાની સાથે આઈપીએલ કરિયરની 200મી મેચ રમશે. આ રીતે તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 200 કે તેથી વધારે મેચ રમનારા ખેલાડીઓના લિસ્ટમાં સામેલ થઈ જશે.
IPLમાં 200થી વધુ મેચ રમનારા ભારતીય ખેલાડી
- મહેન્દ્ર સિંહ ધોની: આઈપીએલમાં સૌથી વધારે મેચ રમવાનો રેકોર્ડ મહેન્દ્ર સિંહ ધોનીના નામે ચે. સીએસકેનો કેપ્ટન 212 મેચ રમી ચુક્યો છે. તેણે 23 અડધી સદીની મદદથી 4672 રન બનાવ્યા છે.
- રોહિત શર્માઃ IPLમાં સૌથી સફળ કેપ્ટન રોહિત શર્મા છે. તે પોતાની કેપ્ટનશિપમાં મુંબઈ ઈન્ડિયન્સને 5 વખત વિજેતા બનાવી ચુક્યો છે. તે આઈપીએલમાં સૌથી વધુ મેચ રમનારા ખેલાડીમાં બીજા ક્રમે છે. રોહિતે 207 મેચમાં એક દી અને 40 અડધી સદી સાથે 5480 રન બનાવ્યા છે.
- દિનેશ કાર્તિક: IPLમાં સૌથી વધારે મેચ રમનારા ખેલાડીના લિસ્ટમાં કેકેઆરનો પૂર્વ કેપ્ટન દિનેશ કાર્તિક ત્રીજા સ્થાને છે. તેણે અત્યાર સુધીમાં 203 મેચ રમી છે અને 19 અડધી સદી વડે 3946 રન બનાવ્યા છે.
- સુરેશ રૈનાઃ સીએસકેનો ઓલરાઉન્ડર સુરેશ રૈના આઈપીએલમાં સૌથી વધુ મેચ રમનારા ખેલાડીના લિસ્ટમાં ચોથા ક્રમે છે. તેણે 201 મેચ રમી છે અને5495 રન બનાવ્યા છે. તે આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીમાં ત્રીજા ક્રમે છે.
Team India બાદ RCBની પણ કોહલી છોડશે કેપ્ટનશિપ
2021 ટી 20 વિશ્વ કપ બાદ ટી20 ઈન્ટરનેશનલમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરનાર વિરાટ કોહલીએ આજે એક વધુ મોટો નિર્ણય કર્યો છે. કોહલીએ જાહેરાત કરી કે તે યૂએઈમાં રમાઈ રહેલી આઈપીએલ 2021ના બીજા તબક્કા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની કેપ્ટનશીપ છોડી દેશે.
કોહલીનો આરસીબીમાં અત્યાર સુધી કેવો રેકોર્ડ રહ્યો ?
વિરાટ કોહલીએનો કેપ્ટન તરીકે આરસીબીમાં ખૂબ જ ખરાબ રેકોર્ડ રહ્યો છે. કોહલી 2013થી કેપ્ટનશીપ કરી રહ્યો છે પરંતુ અત્યાર સુધીમાં ટીમને ખિતાબ જીતાડવામાં સફળ નથી થયો. 2016 બાદ આરસીબી ટીમે ગત વર્ષે પ્લેઓફમાં ક્વોલીફાઈ કર્યું હતું. 2017 અને 2019 માં તેઓ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે રહ્યા હતા જ્યરે 2018 માં છઠ્ઠા ક્રમે રહી હતી. કોહલી માટે 2016 ની સીઝન શાનદાર રહી હતી. આ દરમિયાન તેણે 973 રન બનાવ્યા હતા. ત્યારબાદ માત્ર 2018 માં કોહલી 500 રનને પાર પહોંચી શક્યો. આઈપીએલ 2021 ના સીઝનમાં સાત મેચમાં તેની સરેરાશ 33 રહી છે જેમાં એક અડધી સદી સામેલ છે.