2021 ટી 20 વિશ્વ કપ બાદ ટી20 ઈન્ટરનેશનમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરનાર વિરાટ કોહલીએ આજે એક વધુ મોટો નિર્ણય કર્યો છે. કોહલીએ જાહેરાત કરી કે તે યૂએઈમાં રમાઈ રહેલી આઈપીએલ 2021ના બીજા તબક્કા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની કેપ્ટનશીપ છોડી દેશે.
કોહલીનો આરસીબીમાં અત્યાર સુધી કેવો રેકોર્ડ રહ્યો ?
વિરાટ કોહલીએનો કેપ્ટન તરીકે આરસીબીમાં ખૂબ જ ખરાબ રેકોર્ડ રહ્યો છે. કોહલી 2013થી કેપ્ટનશીપ કરી રહ્યો છે પરંતુ અત્યાર સુધીમાં ટીમને ખિતાબ જીતાડવામાં સફળ નથી થયો. 2016 બાદ આરસીબી ટીમે ગત વર્ષે પ્લેઓફમાં ક્વોલીફાઈ કર્યું હતું. 2017 અને 2019 માં તેઓ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે રહ્યા હતા જ્યરે 2018 માં છઠ્ઠા ક્રમે રહી હતી. કોહલી માટે 2016 ની સીઝન શાનદાર રહી હતી. આ દરમિયાન તેણે 973 રન બનાવ્યા હતા. ત્યારબાદ માત્ર 2018 માં કોહલી 500 રનને પાર પહોંચી શક્યો. આઈપીએલ 2021 ના સીઝનમાં સાત મેચમાં તેની સરેરાશ 33 રહી છે જેમાં એક અડધી સદી સામેલ છે.
આ પહેલા કોહલીએ ટી 20 ની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો હતો
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટી 20 ની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો છે. તેમણે પોતાના ટ્વિટર પર આ અંગેની પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે. ટી 20 વર્લ્ડ કપ બાદ વિરાટ ભારતીય ટીમની ટી 20 કેપ્ટનશિપ છોડી દેશે અને તેમના સ્થાને રોહિત શર્માને ટીમની કમાન સોંપવામાં આવી શકે છે.
કોહલીએ શું કહ્યું?
વિરાટ કોહલીએ ખેલાડીઓ, કોચ, સપોર્ટ સ્ટાફ, પસંદગી સમિતિનો આભાર માનતા કહ્યું, કામનો બોજ ખૂબ મહત્વની બાબત છે. છેલ્લા આઠ-નવ વર્ષથી ત્રણેય ફોર્મેટમાં રમવું અને 5-6 વર્ષ સુધી કેપ્ટનશીપ કરવી, મારા કામનો બોજ નોંધપાત્ર રહ્યો છે. મને લાગે છે કે ટેસ્ટ અને વનડેમાં ટીમની કેપ્ટનશીપ કરવા માટે મારે સંપૂર્ણ રીતે તૈયાર રહેવાની જરૂર છે. T20 ના કેપ્ટન તરીકે મેં ટીમને બધું જ આપ્યું અને બેટ્સમેન તરીકે આમ કરવાનું ચાલુ રાખીશ.
અલબત્ત આ નિર્ણય લેવામાં ઘણો સમય લાગ્યો. મારા નજીકના લોકો, રવિભાઈ અને રોહિત સાથે ઘણી વાતચીત કર્યા પછી, મેં T20વર્લ્ડ કપ બાદ T20 કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય કર્યો છે. મેં BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ સાથે વાત કરી છે. તેમજ તમામ પસંદગીકારો પણ વાકેફ છે. હું મારી ક્ષમતા મુજબ ભારતીય ક્રિકેટ અને ભારતીય ટીમ માટે રમવાનું ચાલુ રાખીશ.
વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ભારતે અત્યાર સુધી કોઈ આઈસીસી ટ્રોફી જીતી નથી. એવું માનવામાં આવે છે કે તેની T20 કેપ્ટનશિપ છોડવાનું આ પણ એક કારણ છે.