રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ મુંબઈ ઈન્ડિયન્સને 54 રને હરાવ્યું છે. આ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા હર્ષલ પટેલે હેટ્રિક ઝડપી હતી. ટોસ હાર્યા પછી RCBએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 165 રન કર્યા હતા. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 18.1 ઓવરમાં 111 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 


હર્ષલ પટેલે દમદાર બોલિંગ કરી હતી. હર્ષલ પટેલે ઈનિંગની 17મી ઓવરમાં હેટ્રિક ઝડપી હતી. હર્ષલ પટેલે  પહેલા હાર્દિક પંડ્યા (3)ને કેચઆઉટ કરાવ્યો હતો. ત્યારબાદ પોલાર્ડ (7 રન) ને બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ હર્ષલે રાહુલ ચાહર (0)ને LBW આઉટ કરી પોતાની હેટ્રિક પૂરી કરી હતી.  હર્ષલ પટેલે એડન મિલ્ને (0)ને બોલ્ડ કરી પોતાની ચોથી વિકેટ ઝડપી હતી. 


હર્ષલ પટેલની હેટ્રિક 17 રનમાં 4 વિકેટ અને ગ્લેન મેક્સવેલના  ઓલરાઉન્ડર પ્રદર્શન (56 રન, બે વિકેટ) ની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ-2021ની 39મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 54 રને હાર  આપી ટૂર્નામેન્ટમાં પોતાની છઠ્ઠી જીત મેળવી છે. આ સાથે યૂએઈની ધરતી પર સતત હાર બાદ વિરાટ કોહલીની ટીમે જીતનો સ્વાદ ચાખ્યો છે. આ જીત સાથે બેંગલોરની ટીમ 12 પોઈન્ટ સાથે ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે મુંબઈની ટીમ 8 પોઈન્ટ સાથે ટેબલમાં સાતમાં સ્થાને છે. પ્રથમ બેટિંગ કરતા બેંગલોરે 165 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈની ટીમ 111 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.  


સારી શરૂઆત બાદ પંજાબનો ધબડકો


મુંબઈ ઈન્ડિયન્સને ડિ-કોક અને રોહિત શર્માએ સારી શરૂઆત કરી હતી. બંનેએ પાવરપ્લેમાં 56 રન જોડ્યા હતા. મુંબઈને પ્રથમ ઝટકો 57 રન પર લાગ્યો હતો. ડિ કોક 23 બોલમાં 24 રન બનાવી ચહલનો શિકાર બન્યો હતો. ટીમનો સ્કોર 79 હતો ત્યારે રોહિત શર્મા 28 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 43 રન બનાવી આઉટ થયો હતો. રોહિતને મેક્સવેલે આઉટ કર્યો હતો.


ઈશાન કિશન 9 રન બનાવી આઉટ થયો હતો.  સૂર્યકુમાર યાદવ માત્ર  8 રને મોહમ્મદ સિરાજે આઉટ કર્યો હતો. કૃણાલ પંડ્યાને 5 રને ગ્લેન મેક્સવેલે બોલ્ડ કર્યો હતો. 


વિરાટ કોહલીએ T-20 ક્રિકેટમાં પોતાના 10 હજાર રન પૂરા કર્યા


વિરાટ કોહલીએ T-20 ક્રિકેટમાં પોતાના 10 હજાર રન પૂરા કર્યા છે. કોહલીએ જસપ્રિત બુમરાહના બોલમાં સિક્સ ફટકારીને આ ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો હતો. કોહલી આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય અને વિશ્વનો પાંચમો ખેલાડી બની ગયો છે. વિરાટ પહેલા ક્રિસ ગેલ, કિરોન પોલાર્ડ, શોએબ મલિક અને ડેવિડ વોર્નરના નામે આ રેકોર્ડ છે.